અમદાવાદ-રાજકોટ હાઇવે પર રિવર્સમાં આવતી ટ્રકે દેરાણી જેઠાણીને કચડી નાંખતા મોત
અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઇવે પર સૂકી ખેતી સંશોધન કેન્દ્ર નજીક બે મહિલા રામુબેન અમરભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) અને કેશુબેન પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦)ને રિવર્સમાં આવતી ટ્રકે અડફેટે લઇ કચડી નાંખતાં બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે.
બીજીબાજુ, આ ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેય મહિલા તરઘડીયા ગામની અને સૂકી ખેતી સંશોધન કેન્દ્રમાં મજૂરી કરતી હતી. ઘરેથી નીકળ્યા બાદ રોડ ક્રોસ કરવા માટે ઉભી હતી અને પાછળથી ટ્રકે ત્રણેયને કચડી નાખી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તરઘડીયા ગામમાં રહેતાં રામુબેન તથા તેમના દેરાણી કેશુબેન અને જેઠાણી મુળીબેન લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૭૦) સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે મજૂરી કરતાં હોઇ સવારે ત્રણેય ત્યાં કામે જવા ઘરેથી નીકળ્યા હતા.
ત્યારે સામેની સાઇડમાં જવું હોય રસ્તો ઓળંગવા માટે આ ત્રણેય દેરાણી-જેઠાણી વાહનો પસાર થઇ જાય તેની રાહ જોઇ સાઇડમાં ઉભા હતાં. એ વખતે ત્યાં ઉભેલા ટ્રક નં.પીબી ૧૩ એએલ-૫૭૦૭ના ચાલકે ટ્રક રિવર્સમાં લેતાં ત્રણેય મહિલાઓ ટ્રકની અડફેટે આવી જતાં ટાયર નીચે કચડાઇ ગઇ હતી.
જેના કારણે ગંભીર ઇજાઓ થવાના કારણે રામુબહેન અને કેશુબહેન એમ બંને દેરાણી-જેઠાણીના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માતમાં ઘાયલ અન્ય મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પામનાર રામુબેનને સંતાનમાં ચાર પુત્ર છે. જ્યારે કેશુબેનને બે પુત્ર અને બે પુત્રી છે.