Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલર્ટ: મુસાફરોના સામાનનું સઘન સ્કેનિંગ

File

રેલ્વે સ્ટેશનમાં ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર બાજનજર રખાઈ રહી છે

અમદાવાદ, દિવાળીના તહેવારો પહેલાં ઉત્તરપ્રદેશને ભડકે બાળવાના ખતરનાક ષડયંત્રનું ઈન્ટેલિજન્સ એલર્ટ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને પણ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યુ છે. દિવાળીનો તહેવાર હોવાના કારણે રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સંખ્યામ વધારો જાેવા મળી રહ્યો છે.

ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ એલર્ટ છે અને દિવસમાં બે થી ત્રણ વખત ચેકિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના આઈએસઆઈના ઈશારે સિમી અને લશ્કર-અુ-તોઈબાના આતંકવાદીઓએ ગોધરાકાંડનો બદલો લેવા ૧૯ ફેબ્રુઆરી ર૦૦૬ના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ર-૩ વચ્ચે એસટીડી-પીસીઓમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો

જેમાં સંખ્યાબંધ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ બાદ રેલવે સ્ટેશનને પણ હાઈસેન્સેટિવ ઝોન ગણવામાં આવે છે ત્યારે રોજ અઢીથી ત્રણ લાખ પેેસેન્જરોની અવરજવર રેલવે સ્ટેશન પર થઈ રહી છે.

રેલવે પોલીસ તેમજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સ્ટેશન પર રોજ બે થી ત્રણ વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.બસ. ચૌધરીએ જણાવ્યું છે કે દિવાળીના હોવાના કારણે રોજ અઢીથી ત્રણ લાખ પેસેન્જરોની અવરજવર રહે છે જેના કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માઠે રોજ બે વખત સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવે છે.

ત્યારે રેલવે પોલીસના ડીવાયએસપી દીપ વકીલે જણાવ્યું છે કે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા રોજ રેલવે સ્ટેશનનું ચેકિગ કરવામાં આવે છે. ત્યારે મેટલ ડિટેક્ટરથી તમામ પેસેન્જરોનો સામાન ચેક કરવામાં આવે છે. ટ્રેનોમાં પણ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ બનાવ બને નહીં તે માટે ગુજરાત પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ રાત દિવસ ડ્યૂટી કરી રહ્યાં છે. અને શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર વોચ રાખી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં જણાવાયું છે કે, લખનૌ, અયોધ્યા, કાનપુર, વારાણસી, સહિતના ૪૬ રેલવે સ્ટેશનને બોમ્બથી ફૂંકી મારવામાં આવશે.

આ આતંકી હુમલાને લઈને મળલા ઈન્ટેલિજન્સ એલર્ટ બાદ રેલવે તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે. અને ઉત્તર પ્રદેશનાં તમામ રેલવે સ્ટેશનની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા તમામ રેલવે સ્ટેશનો પર બાજનજર રાખવામાં આવી રહી છે

અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ ઉપરાંત જીઆરપી, આરપીએફ અને ડોગ સ્ક્વોડ એલર્ટ મોડ પર છે. શનિવારે મોડી રાત્રે ઈન્ટેલિજન્સ વિભાગને એવા ઈનપુટસ મળ્યા હતાકે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાએ ઉત્તર પ્રદેશના ૪૬ મુખ્ય રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે.

આ રેલ્વે સ્ટેશનોમાં પ્રયાગરાજ, અને ગોરખપુરનો પણ સમાવેશ થાય છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી માહિતી મળ્યા બાદ વારાણસીના પંડિત દિનદયાલ જંક્શન પર કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. જીઆરપી અને આરપીએફએ સ્ટેશનો પર સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. સુરક્ષાકર્મીઓ પ્રવાસીઓના લગેજની પણ તપાસ કરી રહ્યાં છે. અને ટ્રેનની અંદર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

રેલવે સુરક્ષાદળ અને જીઆરપીના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે પત્રમાં રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે તે પત્ર લશ્કર-એ-તોઈબાના એરિયા કમાન્ડરના નામથી મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉ ર૦૧૮માં પણ આવી જ ધમકી આ જ આતંકી સંગઠન તરફથી મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.