અમદાવાદ રેલ્વે સ્ટેશન પર દવાથી સફાઈ કરાશે
અમદાવાદ: કોરોનાવાઈરસનો ફેલાવો અટકાવવા માટે રેલ્વે સ્ટેશનો પર તકેદારીના પગલાં લેવાનું શરૂ કરાયુ છે. જેમાં રેલ કર્મીઓની ‘બાયોમેટ્રીક’ એટેન્ડન્સ સિસ્ટમ બંધ કરીને રજીસ્ટરમાં મેન્યુઅલી હાજરી પુરવાનુ શરૂ કરાયુ છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બુકીંગ, રિઝર્વેશન, વેઈટીંગ હોલ સહિતના વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને ફરજીયાતપણે માસ્ક પહેરાવીને ડ્યુટી પર લેવાઈ રહ્યા છે. ટ્રેનમાં ડ્રાઈવર-કંડકટરને ફરજ પર લેતા પેહલાં તેઓનો આલ્કોહોલીક ટેસ્ટ કરાય છે તે માટેના બ્રેથેલાઈઝર પાઈપનો પણ સિંગલ યુઝ કરવાનું ફરમાન કરી દેવાયું છે. સ્ટેશન પર સતત જંતુનાશક દવાથી પ્લેટફોર્મ, બારીબારણા, ટોઈલેટ રિઝર્વેશન-ટીકીટ કાઉન્ટરો, વેઈટીંગ હોલની સફાઈ કરતા રહેવાનું ચાલુ કરાયુ છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર દૈનિક ૧૦૦થી વધુ ટ્રેનોની અવરજવર છે. પ્લેટફોર્મ પર બે લાખ જેટલા મુસાફરો આવતા-જતા હોય છે. અતિભીડભાડવાળી આ જગ્યાએથી કોરોના વાયરસ ફેલાવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે. એવામાં રેલ્વે તંત્ર દ્વારા તમામ સ્ટેશનો પર તકેદારી, સાવચેતી રાખવા ગાઈડલાઈન્સ બહાર પડાઈ છે. જેનો અમલ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર શરૂ કરી દેવાયો છે.
મુસાફરોએ શું શું તકેદારી રાખવી તેની સંપૂર્ણ જાણકારી પ્લેટફોર્મ પરના મોટા ડીસપ્લે બોર્ડમાં વિડીયોના માધ્યમથી આપવાની સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમમાં પણ તકેદારી લક્ષી સુચનો સતત આપતા રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
મુસાફરોની સતત અવરજવર વાળા દરવાજા પર સતત જંતુનાશક પ્રવાહી છાંટીને દરવાજાઓને સાફ કરતા રહેવાની જવાબદારી પણ ક્લીનિંગ સ્ટાફને સોંપી દેવામાં આવી છે. રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર, ટીકીટ કાઉન્ટરો પર પણ સફાઈ રાખવા તેમજ રોજની હજારો ટીકીટો અને પૈસાની આપ-લે થતી રહેતી હોય એવા ટીકીટ-રિઝર્વર્વેશન કાઉન્ટર પરના કર્મચારીઓને પણ સતત જંતુનાશક દવાથી હાથ ધોતા રહેવા માટેની વ્યવસ્થા કરી અપાઈ છે. રેલ્વે ટેશન પર કામ કરતા તમામ કર્મચારીઓને માસ્ક અને હાથમાં ગ્લોવ્ઝ પહેરવાની સુચના આપવામાં આવી છે તેમ નહીં હોય ત્યાં સુધી ફરજ પર લેવામાં આવશે નહીં. ટીકીટ ચેકર, ખાણીપીણીના સ્ટોલના કૃમચારીઓ, આરપીએફ, જીઆરપી એફના જવાનોને પણ કોરોના વાઈરસથી બચવા માટેની જરૂરી સાવચેતીના પગલાનો અમલ શરૂ કરાયો છે. રેલ્વે સ્ટેશન પર વધુ સફાઈ રાખવાની સુચના અપાઈ છે.