અમદાવાદ-વલસાડ વચ્ચ લોકલ મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયને રજૂઆત
(પ્રતિનિધિ) નડિયાદ, કોરોના કાળ બાદ રાબેતા મુજબ જન જીવન ધબકતું થયું છે. તેમ છતાં પણ રેલવે મંત્રાલયની આડોડાઈના કારણે કેટલીક ટ્રેન સેવાઓ હજુ પણ ચાલુ કરવામાં આવી નથી. માતરના પૂર્વ ધારાસભ્યએ અમદાવાદ-વલસાડ વચ્ચે મેમુ લોકલ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવા માંગ કરી છે. આ સંદર્ભે રેલવે મંત્રાલયને પણ લેખિત રજૂઆત કરાઈ છે.
માતરના પૂર્વ ધારાસભ્ય રાકેશ રાવે રેલવે મંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોના મહામારીમાં રેલવે તંત્ર દ્વારા તમામ ટ્રેન વ્યવહાર બંધ કરી દીધો હતો. હાલમાં ધીમે ધીમે તમામ પ્રકારની સેવાઓ પૂર્વવત શરૂ થઇ ગઇ છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા અમદાવાદ વલસાડ તરફની લોકલ મેમુ ટ્રેનો શરૂ કરવી જાેઈએ.
દેશમાં કોરોના મહામારીએ દેશવાસીઓની કમર તોડી છે. છેલ્લા ૨ વર્ષ થી રેલવે ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હાલ અમૂક ટ્રેનો ચાલુ કરાઈ છે પરંતુ લોકલ મેમુ ટ્રેનો બંધ છે. લોકલ મેમુ ટ્રેન ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આર્શિવાદ રૂપ છે. પરંતુ કોરોના કાળથી આ લોકલ મેમુ ટ્રેન સેવાઓ બંધ છે.
જેથી લોકોની રોજી રોટી પર તેની અસર પડી રહી છે. લોકલ મેમુ ટ્રેન બંધ હોઇ લોકોને ખાનગી વાહનોમાં અવર જવર કરવી મોંઘી પડી રહી છે.જેથી લોકો આર્થિકરીતે કટોકટીમાં મુકાયા છે. એક બાજુ ધંધા રોજગાર કરતા લોકોના ધંધા ઢપ્પ છે આ વચ્ચે ઘર ચલાવવુ ખુબજ કઠીન બન્યુ છે.
હાલ કોરોના મહામારીનો પ્રકોપ ઓછો છે જનજીવન તેમજ તમામ અન્ય પ્રકારની સેવાઓ પૂર્વવત શરૂ થઇ ગઇ છે. રેલવે તંત્ર દ્વારા એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન લોકલ મેમુ ટ્રેન સેવા હજુ શરૂ કરવામાં આવી નથી
જેના કારણે ધંધા રોજગાર માટે અપ ડાઉન કરતાં મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે રેલવે તંત્ર દ્વારા અમદાવાદ વલસાડ તરફની લોકલ મેમુ ટ્રેન સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તો જિલ્લા વાસીઓને રાહત મળે એમ છે. *