અમદાવાદ શહેરમાં ઘરે ઘરે બિમારી: બાળકો પણ ભરડામાં
અમદાવાદ, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ૨૩ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધીના આંકડાઓ સામે આવ્યા છે. ડેન્ગ્યુના ૮૦ કેસ, ચિકનગુનિયાના ૧૯,મેલેરિયાના ૧૦ ,જ્યારે કમળાના ૬૩ કેસ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાયા છે. ૨૫ બાળકોને ડેન્ગ્યુ,૨ બાળકોને ચિકનગુનિયા,જ્યારે ૧૨ બાળકોનો કમળાના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે.
ડેન્ગ્યૂનો શિકાર બનેલા કુલ ૨૫ બાળકોમાંથી ૧૩ બાળકો જ્યારે ૧૨ બાળકીઓને ડેન્ગ્યું થયો હતો. બાળકોમાં બિમારીના કેસો વધતા તબીબોની ચિંતા પણ વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં ક્યાં રોગના કેટલા સેમ્પલ લેવાયા અને કેટલા પોઝિટીવ આવ્યા તેની વાત કરીએ તો ડેન્ગ્યુના ૩૨૮ સેમ્પલમાંથી ૮૦ કેસ પોઝીટીવ મળી આવ્યા હતા.
તો ચિકનગુનિયાના કુલ ૧૨૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી ૧૯ કેસ પોઝિટિવ જાેવા મળ્યા હતા. બીજી તરફ મેલેરિયાના પણ ૯૬૬ સેમ્પલમાંથી માત્ર ૧૦ લોકોનો મેલેરિયા પોઝીટીવ આવ્યો હતો.અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાની ઘોર બેદરકારીના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુના કેસોમાં અગાઉના વર્ષ કતાં બેગણાથી પણ વધુ અને ચિકનગુનિયાના કેસોમાં ત્રણ ગણાથી વધુ વધારો નોંધાયો છે.
શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં મચ્છરો વિપુલ પ્રમાણમાં પેદા થયા ના હોય. મ્યુનિ. ચોપડે મેલેરિયાના ૨૦૨, ફાલ્સીપેમના ૨૧, ડેન્ગ્યુના ૨૬૬, ચિકનગુનિયા ૧૩૦ મળી ૬૧૯ કેસો હાલ નોંધાયા છે, પણ ખરેખર દર્દીઓનો આંકડો ૧૫૦૦થી ઉપર હોવાની સંભાવના છે. અત્યાર સુધી કોરોનાથી ઉભરાતી હોસ્પિટલો હવે દર્દીઓથી ઉભરાય છે.
ઉપરાંત ચાલુ મહિના દરમ્યાન મેલેરિયાના લક્ષણો ધરાવતા ૧,૪૨,૭૬૬ તાવના દર્દીના લોહીના અને ૪૫૧૬ના ડેન્ગ્યુની ચકાસણી માટે સીરમના નમૂના લેવાયા છે. આમ મ્યુનિ.ના રજીસ્ટરમાં જ ૧,૪૭,૨૯૨ તાવના દર્દીઓ નોંધાયા છે.ડેન્ગ્યુના કેસો લાંભા, નારોલ, શાહીબાગ, રામોલ, ગોતા, થલતેજ, રખિયાલ, સરખેજ, રાણીપમાં વધુ સંખ્યામાં નોંધાયાનું જાણવા મળે છે. બીજી તરફ ઠેર ઠેર આવતાં પ્રદુષિત પાણીના કારણે ઝાડાઉલ્ટીના ૩૪૪, કમળાના ૧૮૬, ટાઈફોઈડના ૨૬૭ અને કોલેરાના ૩ કેસો નોંધાયા છે. ૧૫૫ જગ્યાએ પ્રદુષિત પાણી આવે છે, જ્યાંના પાણીના નમૂના અનફીટ જણાયા છે.HS