અમદાવાદ શહેરમાં ફર્નિચરના વેપારીને ધમકી મળતા ચકચાર
અમદાવાદ: અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફર્નિચરમાં વેપારીને નનામી ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને બજરંગ આશ્રમ નેશનલ હાઈ વે નંબર ૮ પર ફર્નિચરની દુકાન ધરાવતા ભૂપેન્દ્ર યાદવએ પોલીસ ફરિયાદ આપી છે કે ૨૬મી સપ્ટેમ્બરમાં દિવસે બપોરના સમયે તેઓ દુકાનથી ઘરે જમવા માટે જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનારે જણાવ્યું હતું કે તમે અગાઉ નારણ રબારી અને છગન રબારી પાસેથી જે પૈસા લીધેલા છે અને તમારી જે ગાડી નારણ રબારી પાસે પડેલી છે
જે તેમના પૈસા આપી દો અને જે ફરિયાદ કરેલી છે તે ફરિયાદ પાછી લઇ લો નહિતર તમે મને અને આ નારણ રબારીને જાણતા નથી, તમને ગમે ત્યાંથી ઉપાડી લઈશું. તેવી ધમકી આપી હતી. જો કે ફરિયાદીએ ફોન કરનાર વ્યક્તિનો પરિચય પૂછતા તેનું નામ જણાવ્યું ન હતું. તેથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો.
જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ હાલમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો સામે કેટલીક ફરિયાદ દાખલ થઈ છે.
કેટલાક દિવસ અગાઉ મેઘાણીનગરમાં પણ વ્યાજખોરો ના ત્રાસ થી એક વ્યક્તિ એ ફિનાઇલ પી લેતા પોલીસ ફરિયાદ થઇ હતી. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરોનો ત્રાસ દિવસને દિવસે વધતો જાય છે. તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસથી સુરતમાં એક ગેરેજ સંચાલકે આપઘાત કરી લીધો હતો. અને આવી અનેક ઘટનાઓ અમદાવાદ શહેરમાં પણ પહેલા બનેલી છે. વ્યાજે આપેલા પૈસાને પાછા લેવા માટે ધાકધમકીઓ અને પઠાણી ઉઘરાણીઓ કરતા હોય છે. ત્યારે ધમકી ભર્યા ફોન અને પઠાણી ઉઘરાણીઓથી કંટાળીને પીડિત લોકો નાછૂટકે અંતિમ પગલાં ભરતા હોય છે.