Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં મહિને લગભગ સાત હત્યા થાય છે

અમદાવાદ: અમદાવાદ શહેરની ગુનાખોરી અંગે આજે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી વર્ષ ૨૦૧૮ના આંકડાઓ રજૂ કરી ૨૦૧૯માં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૮માં શહેરમાં ૯૮ હત્યા થઈ હતી, જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૮૦ રહી છે.

પરંતુ છેલ્લા ૨૪ મહિનામાં શહેરમાં થયેલી હત્યાનો સરવાળો ૧૭૮એ પહોંચ્યો છે. આમ શહેરમાં દર મહિને લગભગ ૭ હત્યા થઈ રહી છે. જા કે, પોલીસ ગુનાખોરીમાં ઘટાડો હોવાનો દાવો કરી રહી છે. જ્યારે વર્ષ ૨૦૧૮માં ૪૨૧ અને ૨૦૧૯માં ૪૧૨ અપહરણની ઘટનાઓ બની છે. આમ બે વર્ષમાં કુલ ૮૩૩ અપહરણ થયા છે. આ સાથે જ ક્રાઇમરેટની દ્રષ્ટિએ અમદાવાદ ૧૪મા ક્રમે હોવાનું સામે આવ્યું હતું.

શહેર પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, પોલીસે સૌથી વધુ બુટલેગરોને પાસા કર્યા છે. તેમજ વ્યાજખોરો સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે સાથે તેઓ મનીલોન્ડરિંગમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. વ્યાજખોરો સામે પણ પોલીસને જરૂરી ગુના નોંધવા જણાવાયું છે. જ્યારે વર્ષ ૨૦૧૮માં ૧૨૬૦ લોકો સામે પાસાના હુકમ કરવામાં આવ્યા હતા, જે વર્ષ ૨૦૧૯માં વધીને ૧૫૧૮એ પહોંચ્યા છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૫૨ પોલીસ સ્ટેશનમાં ૬૮૦ સિનિયર સિટીઝનની નોંધ થઈ છે. તેમજ ૫૦૦૦ સિનિયર સિટીઝનની નોંધ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમને કોઈપણ તકલીફ હશે તો શી ટીમ અથવા સ્થાનિક પોલીસ મદદ કરશે.

૬૫ વર્ષથી ઉપર હોય અથવા ઉંમરલાયક પતિ પત્ની એકલા રહેતા હોય તેવા સિનિયર સિટીઝનમાં ગણવામાં આવ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સિનિયર સિટીઝન છે તેઓની નોંધણી કરાવવામાં આવશે. ફ્‌લેટ માલિકો અને દુકાનદારોને સીસીટીવી કેમેરા લગાવવા માટે કહ્યું છે. સુરક્ષા સેતુ અંતર્ગત તેઓને કેટલીક મદદ પણ કરવામાં આવશે જેની શી ટીમ માહિતી આપે છે. હવેથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એક એક પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવશે. આ રવિવારથી વાડજ પોલીસ સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.આ સ્કીમને મુસ્કાન સાથે રક્તદાન ૨૦- ૨૦ નામ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.