અમદાવાદ શહેરમાં યુવતિઓ અસલામત
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં કથળી ગઈ છે જેના પરિણામે હવે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી રહયો અને ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહયા છે શહેરના ચમનપુરા વિસ્તારમાં ર૦ દિવસની બાળકીની હત્યાની ઘટનાથી સમગ્ર સમાજ ચોંકી ઉઠયો છે ત્યારે આવારા ત¥વોના કારણે હવે અમદાવાદમાં યુવતિઓ પણ અસલામત બની ગઈ છે.
શહેરના એસ.જી.હાઈવે પર વાય.એ.એમ.સી કલબ પાસેથી યુવતિના અપહરણના પ્રયાસની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે ત્યારે સાણંદમાં યુવકના ત્રાસથી યુવતિએ આત્મહત્યા કરી લીધી છે આવી ઘટનાઓના પરિણામે હવે યુવતિઓ અસલામત બનવા લાગી છે આ પરિસ્થિતિમાં વચ્ચે શહેરના નિકોલ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના ઘટી છે જેમાં ચાલીમાં રહેતી એક યુવતિને તેજ ચાલીમાં રહેતો યુવક ખુલ્લેઆમ મશ્કરી કરી તેની છેડછાડ કરતો હોવાથી આ યુવતિ માનસિક રીતે પડી ભાંગી છે
એટલું જ નહી તેની માતાને જાણ કરતા યુવકના ઘરે ઠપકો આપવા માતા-પુત્રી ગયા તો બંને ઉપર આ શખ્સે તથા તેના પરિવારે હુમલો કરતા માતાને ગંભીર ઈજા પહોંચી છે ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી બીમાર યુવતિના પિતા વચ્ચે પડતા તેના ઉપર પણ અસામાજિક તત્વોએ હુમલો કરતા તેને પણ ઈજા પહોંચી છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છેકે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં સાવ કથળી ગઈ છે શહેર પોલીસ કમિશનર અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રયાસો કરી રહયા છે ત્યારે શહેરમાં ગુંડા અને આવારા તત્વો ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃતિ આચરવામાં આવી રહી છે
ગઈકાલની ચમનપુરાની ઘટના પોલીસતંત્ર માટે ખૂબ જ શરમજનક છે આરોપી વિરૂધ્ધ પોલીસે કોઈ કાર્યવાહી નહી કરતા ર૦ દિવસની બાળકીએ જીવ ગુમાવ્યો છે આ શખ્સો ખુલ્લેઆમ હથિયારો સાથે ફરતા હતા અને યુવતિઓની મશ્કરી કરતા હતા મેઘાણીનગર વિસ્તારમાં આવા અનેક ગુંડા તત્વોનો આંતક છે અને અહિંયા અવારનવાર નિર્દોષ નાગરિકો પર હુમલાની ઘટના ઘટતી હોય છે
આવી ઘટનાઓના કારણે હવે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ગુનાખોરીનો આંક ખૂબ જ વધી ગયો છે એક પછી એક ચોંકાવનારી ઘટનાઓથી સમગ્ર શહેરમાં ભારે ઉહાપોહ મચેલો છે આ પરિસ્થિતિમાં વચ્ચે વધુ એક ગંભીર ઘટના ઘટી છે
જેમાં નિકોલ વિસ્તારમાં આવેલી કાળાઉઢાની ચાલીમાં રહેતી પુષ્પા (નામ બદલેલ છે) નામની યુવતિને ચાલીમાં જ રહેતો અભિષેક ભદોરિયા નામનો શખ્સ પરેશાન કરતો હતો આ યુવતિ પસાર થાય ત્યારે તેની ખુલ્લેઆમ છેડતી કરી પરેશાન કરતો હતો બે દિવસ પહેલા આ યુવતિ પોતાના ઘરે આવી રહી હતી.
ત્યારે રાત્રિના સમયે અભિષેકે તેની છેડછાડ કરતા જ યુવતિ ખૂબ જ ગભરાઈ ગઈ હતી આ અંગે અગાઉ પણ વારંવાર આ શખ્સના પરિવારજનોને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ અભિષેક યુવતિને પરેશાન કરતો હતો રાત્રિના સમયે શારીરિક છેડછાડનો પ્રયાસ કરતા જ યુવતિ ગભરાઈને પોતાના ઘરમાં ઘુસી ગઈ હતી અને તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા માતા પણ ગભરાઈ ગઈ હતી પરંતુ હિંમત રાખી માતા તેની માતા પુત્રીને લઈ ચાલીમાં રહેતા અભિષેક ભદોરિયાના ઘરે પહોચી હતી અને ત્યાં અભિષેકના પરિવારજનોને સમગ્ર ઘટના જણાવી હતી.
અભિષેકના પરિવારના સભ્યો પણ આ ઘટનાથી ચોંકી ઉઠયા હતા અને પ્રારંભમાં હવે આવુ નહી થાય તેવુ જણાવ્યું હતું પરંતુ આ દરમિયાનમાં જ અભિષેક આવી જતાં અભિષેકે યુવતિની માતા ઉપર હુમલો કર્યો હતો જેના પરિણામે વાતાવરણ તંગ બની ગયું હતું આ સમયે અભિષેકના પરિવારના સભ્યોએ પણ માતા પુત્રી પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી માતા પુત્રીને ઘેરી લઈ અભિષેકે યુવતિની માતાના માથા પર લાકડાનો ફટકો મારતા તે લોહી લુહાણ થઈ ગઈ હતી આ દરમિયાનમાં આ યુવતિના પિતા પણ દોડી આવ્યા હતા.
યુવતિના પિતા છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાથી સારવાર લઈ રહયા છે પરંતુ પોતાની પત્નિ અને પુત્રીને બચાવવા દોડી આવ્યા હતા ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓએ બિમાર પિતા ઉપર પણ હુમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી. આવારા તત્વોના ત્રાસથી આ યુવતિ માનસિક રીતે ખૂબ જ પડી ભાંગી છે અને તેમાં પણ માતા અને પિતા ઉપર હુમલો કરવામાં આવતા તે ખૂબ જ ગભરાઈ ગઈ છે.
બીજીબાજુ ગંભીર એવી આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યુવતિની માંગ છે.