અમદાવાદ શહેરમાં રૂા.૫૦૦માં પાણીના ભૂતિયા કનેક્શન કાયદેસર થશે
અમદાવાદ, પાણી મૂળભૂત જરૂરીયાત હોઈ મૂળભૂત જરૂરિયાતને પૂર્ણ કરવા ભારત સરકારના “હર હર ઘર, નલ સે જલ” તથા મુખ્યમંત્રીના “જ્યાં માનવી ત્યાં સુવિધા” અભિગમને યથાર્થ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળ દ્વારા પાણી મળી રહે તે માટે ધ્યાનમાં લઈ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ ૨૬.૮.૨૦૨૦નાથી યોજના જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના વિસ્તારોમાં નાગરીકો દ્વારા પાણીનું કનેક્શન મેળવવા માટે નિયત અરજી પત્રકમાં અરજી કરી કનેક્શન મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સરકારી કે ખાનગી જમીનમાં રહેતા નાગરિકો દ્વારા આવી કોઈ પ્રક્રિયા અનુસર્યા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન મેળવી પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. પાણીની મૂળભૂત જરૂરિયાતને ધ્યાને લઈ આવા ગેરકાયદેસર કનેક્શનોને કાપી શકાતા ન હતા તેમજ પુરાવાના અભાવે આવા કનેક્શનો ગેરકાયદેસર કરી શકાતા ન હતા.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત ઠરાવ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કે ખાનગી જગ્યામાં આવેલ રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ દ્વારા પાણીના અડધા ઈંચની પાઈપના ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર રીતે કનેક્શન કર્યા હોય તેવા એકમોના પાણીના અડધો ઈંચના કનેક્શન દીઠ રૂા.૫૦૦ની રકમ મ્યુનિ.કોર્પાેરેશનને ચૂકવી કનેક્શન રેગ્યુલર-કાયદેસર કરાવી શકશે. વધુમાં, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કે ખાનગી જગ્યામાં રહેણાંકના એકમમાં રહેતી વ્યક્તિ જેને પાણીના કનેક્શનની સુવિધા નથી. તેઓ અરજી કરી અડધા ઈંચના કનેક્શન દીઠ નિયત ફી રૂા.૫૦૦ ભરી પાણીનું નવું કનેક્શન મેળવી શકશે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કે ખાનગી જગ્યામાં આવેલ રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ દ્વારા પાણીનું કનેક્શન ઉપરોક્ત નીતિ અનુસાર મેળવવામાં આવે તેનાથી સંબંધિત જગ્યા ઉપર માલિકીનો હક્કદાવો પ્રસ્થાપિત કરી શકશે નહીં, કે એવી જમીનની માલિકી તેઓને કાયદેસરની માલિકીની છે કે કાયમી રહેવા અંગેનો હક્ક દાવો કરી શકશે નહીં. આ યોજના તા.૩૧-૧-૨૦૨૦સુધીમાં અમલમાં રહેશે.