અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

પ્રતિકાત્મક
અમદાવાદ, ઉત્તર,પૂર્વીય અરબી સમુદ્રથી લઇને બંગાળની ખાડીના પૂર્વ,મધ્ય વિસ્તારમાં મોન્સુન ટ્રફ રચાયો હોવાને કારણે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસરથી આજે સવારથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાના આગમનથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં ૫૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે. જે આ વખતની વરસાદની આગાહીમાં ઓછી થઇ શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના સેટેલાઇટ, પાલડી, બોપલ, થલતેજ, ગોતા, નરોડા, જુહાપુરા ચાંદખેડા, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ જેવા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં રવિવારે સવારથી વરસાદી માહોલ છવાયો હતો.
પરંતુ હળવા વરસાદી ઝાપટા જ પડ્યા હતા.મ્યુનિ.કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,રવિવારે સવારના છથી સાંજના છ સુધીમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં ૭ મિલીમીટર અને બોપલ વિસ્તારમાં ૪.૫૦ મિલીમીટર વરસાદ થયો હતો. શહેરમાં રવિવારે સાંજે છ કલાક સુધીમાં સરેરાશ ૧.૩૬ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૫૩૨.૮૩ મિલીમીટર એટલે કે ૨૦.૯૮ ઈંચ થયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ચાર દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. જેમાં સોમવારે વલસાડ, ખેડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદ વરસશે. જ્યારે મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જામનગર, મોરબી, દ્વારકા, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. આંકડાઓ પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના ૬ જિલ્લામાં હજુ પણ ૫૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની ઘટમાં દાહોદમાં ૫૪ ટકા અને અમદાવાદમાં ૫૨ ટકા ઘટ છે. જયારે ગુજરાતમાં વરસાદની ઘટ ૫૦ ટકાથી ૩૨ ટકાએ પહોંચી છે. પરંતુ, હાલમાં ઉત્તર,પૂર્વીય અરબી સમુદ્રથી લઇને બંગાળની ખાડીના પૂર્વ,મધ્ય વિસ્તારમાં મોન્સુન ટ્રફ રચાયો હોવાથી આગામી ચાર દિવસ સારા વરસાદની આગાહીને કારણે આ ઘટ ઓછી થવાની શક્યતા છે.SSS