અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના ૧૦ કેસ નોંધાયા
આઠ મહિનાનું બાળક પણ સ્વાઈનફ્લુની ઝપટમાં
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં વધુ એક વખત રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તેમ છતાં મચ્છરજન્ય રોગચાળામાં ચિંતાજનક હદે વધી રહ્યો છે. જ્યારે વાતવરણ ઠંડક થવાની સાથે જ સ્વાઈન ફ્લુના કેસ પણ પરંપરાગત રીતે વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસની દહેશત જાવા મળે છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કોઈ કેસ નોંધાયા નથી. પરંતુ સ્વાઈન ફલુના દસ જેટલા કન્ફર્મ કેસ બહાર આવતા તંત્ર દોડતું થયુ છે. તથા સ્વાઈન ફલુને નિયંતરણમાં લેવા માટે જન-જાગૃતિ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વિશ્વભરમાં છેલ્લા એક દાયકાથી એચ-૧ એન-૧ વાયરલ આતંક ફેલાવી રહ્યો છે. ચાલુ વરસે કોરોનો વાયરસનો પણ તેમાં ઉમેરો થયો છે. ભારતમાં એચ-૧એન-૧ વાયરલનો પ્રથમ કેસ ર૦૦૮માં કન્ફર્મ થયો હતો. શહેરમાં ર૦૧પ અને ર૦૧૭ ના વર્ષ દરમ્યાન સ્વાઈન ફલ્ુના બે હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. ર૦ર૦ની શરૂઆત સાથે જ સ્વાઈન ફલુના દસ કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતાના સુત્રોએ જણાવ્યુ હતુ કે કેલેન્ડર વર્ષનો પ્રથમ કેસ સાત જાન્યુઆરીએ પાલડી વોર્ડમાં નોંધાયો હતો. જેમાં ૬૯ વર્ષીય મહિલા સ્વાઈન ફ્લુનો ભોગ બન્યા છે. જેમને એસવીપી હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી. સ્વાઈન ફ્લુના અન્ય નવ કેસ વેજલપુર, નારણપુરા, સરદારનગર, જાધપુર, ઓઢવ, લાંભા, ઘાટલોડીયા અને ઈસનપુર વોર્ડમાં નોંધાયા હતા.
ઉલ્લેખનીય બાબત એ છે કે સ્વાઈન ફલુના દસ કેસ પૈકી આઠ કેસમાં દર્દીની ઉંમર પ૦ વર્ષ કરતા વધારે હતી. જ્યારે નારોલ વિસ્તારમાં આઠ મહિનાનો એક બાળક પણ સ્વાઈન ફલુના સકંજામાં આવી ગયો હતો. તેને યુએન મહેતા હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી. સ્વાઈન ફલુનો છેલ્લો કેસ ર૭ મી ફેબ્રુઆરીએ ઈસનપુર વોર્ડમાં કન્ફર્મ થયો છે. જેમાં પ૯ વર્ષના મહિલા એચ-૧એન-૧ વાયરલના ઝપટમાં આવી ગયા છે. તેમને રતન હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
સ્વાઈનફલુના પરીક્ષણ માટે અગાઉ પુના ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા જેના કારણે કેસ કન્ફર્મ થવામાં સમય લાગતો હતો. ચાલુ વર્ષની એનએચએલ મેડીકલ કોલેજ તથા બી જ મેડીકલ કોલેજમાં સેમ્પલના પરિક્ષણ થઈ રહ્યા છે. તેથી દર્દીને ઝડપથી સારવાર મળી રહે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.
ચીન, થાઈલેન્ડ,હોંગકોંગ સહિતના દેશોમાં કોરોના વાઈરસ આતંક મચાવી રહ્યો છે. કોરોના અને એચ-૧એન-૧ વાયરલના લક્ષણો સમાન છે. તેથી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સ્વાઈન ફ્લુના કેસને સહેજ પણ હળવાશથી લેવા તૈયાર નથી. ભૂતકાળમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવતી હતી એના કરતા પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શહેરના એરપોર્ટ ખાતે પણ ચીન, થાઈલેન્ડ, હોંગકોંગ સહિતના દેશમાંથી આવતા મુસાફરોના સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે. કોરોના અને સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે અલગ આઈસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
શહેરમાં ર૦૧૯ના જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુના ર૧૩ અને ફેબ્રુઆરીમાં ૭૮૦ કેસ નોંધાયા હતા. જ્યારે ર૦ર૦ ના પ્રથમ બે મહિનામાં માત્ર દસ જ કેસ નોંધાયા છે. આમ, સ્વાઈન ફ્લુના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ કોરોના વાઈરસના કારણે તંત્ર સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.
શહેરમાં ૨૦૨૦ની શરૂઆત સાથે જ મચ્છર અને પાણીજન્ય રોગનાં કેસ પણ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યાં છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસમાં અસામાન્ય વધારો જાવા મળ્યો છે. શિયાળાની સિઝનમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ નહીંવત હોય છે. જેના બદલે પ્રથમ બે મહિનામાં જ ડેન્ગ્યુના ૧૦૨, ૧૧૦ જ્યારે ચિકનગુનિયાના ૩૦ કેસ નોંધાયા છે. ગત વર્ષ દરમિયાન ટાઈફોઈડ અને કમળાના રોગચાળાએ આતંક મચાવ્યો હતો.
જે પરંપરા નવા વર્ષમાં પણ યથાવત જાવા મળી છે. ૨૦૨૦ના પ્રથમ બે મહિનામાં ટાઈફોઈડનાં ૪૦૦ તથા કમળાના ૨૯૫ કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના ૯૫૦ કરતાં પણ વધારે કેસ બહાર આવ્યાં છે. મ્યુનિ.કોર્પાે.દ્વારા સપ્લાય થતાં પાણીમાં પ્રદૂષણની માત્રા વધારી હોવાનાં કારણે પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી શકતો નથી. મ્યુનિ.આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લાં અઠવાડિયા દરમિયાન પાણીનાં સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૩૩ સ્થળે ક્લોરીન વિના જ પાણી સપ્લાય થયા હોવાનાં રિપોર્ટ જાહેર થયાં છે.