અમદાવાદ શહેર જળબંબાકાર
હાટકેશ્વર, મણિનગર, અમરાઈવાડી, ઘોડાસર સહિતના વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ઘુસ્યા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં લાંબી રાહ જાવરાવ્યા બાદ ગઈકાલે મધરાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થતાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઝાડો પડવાના તથા ભુવા પડવાની ફરીયાદો પણ મળી રહી છે. રાત્રે પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર શહેરમાં જનજીવન ઉપર અસર પડી છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે વરસાદની આગાહીને પગલે નાગરીકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
બીજી બાજુ સવારથી જ ફરી એક વખત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાતા નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે અનેક સોસાયટીમાંં પાણી ઘરમાં ઘુસી જતાં વ્યાપક નુકશાન થયુ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી કાળા ડીબાંગ વાદળોની વચ્ચે છુટાછવાયા વરસાદના ઝાપટા પડતા હતા.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદથી નાગરીકો બફારાથી ત્રાસી ગયા હતા. આ દરમ્યાનમાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે ગઈકાલે સવારથી જ રાજ્યભરમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ સવારથી જ છૂટોછવાયો વરસાદ પડતો હતો.
આ દરમ્યાન રાત્રે આઠ વાગ્યા બાદ સતત વરસાદ પડવાનું શરૂ થઈ ગયો હતો. અને મધરાતે વરસાદે જાર પકડ્યુ હતુ. રાત્રે બે વાગ્યા બાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરભરના નાગરીકો સતર્ક બન્યા હતા. અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરીકો ચિંતાતુર બની ગયા હતા. શહેરમાં મધરાત બાદ શરૂ થયેલા ભારે વરસાદના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી હતી
અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ભારે પડવાનો શરૂ થતાં જ એક પછી એક વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા ખાસ કરીને સૌ પ્રથમ પૂર્વના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો બહાર નીકળી આવ્યા હતાં શહેરના હાટકેશ્વર વિસ્તારમાં અનેક સોસાયટીઓની અંદર પાણી ઘુસવા લાગ્યા હતાં અમરાઈવાડી, ઘોડાસર, ઈસનપુર, મણિનગર, નારણપુરા, મેમનગર, ગુરૂકુળ, વસ્ત્રાપુર, જંજીસ બંગલા રોડ, વટવા, રામોલ, વટવા, રામોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી જાકે કેટલાક નાગરિકો ઉંઘતા જ સપડાઈ ગયા હતાં
જેના પરિણામે સંખ્યાબંધ મકાનોમાં માલ સામાન પલળી ગયો હતો. મેમનગર વિસ્તારમાં વ્યાપક પાણી ભરાઈ જતાં કેટલીક ગાડીઓ પણ ડુબી ગઈ હતી. હાટકેશ્વરમાં આવેલુ સર્કલ પણ જળબંબાકાર થઈ ગયું હતું જયારે બીઆરટીએસ કોરીડોરમાં પાણી ભરાઈ ગયા હતાં જાકે બસ સેવા ચાલુ રહી હતી. અમદાવાદ શહેરમાં મધરાતથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ વહેલી સવારે મેઘરાજાએ વિરામ લેતા જ નાગરિકોએ રાહત અનુભવી હતી.
વરસાદ બંધ થઈ જતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાના શરૂ થયા હતા આ દરમિયાનમાં જ ફરી એક વખત અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો છે. હવામાન વિભાગે આજે પણ અમદાવાદ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેના પગલે સ્થાનિક તંત્રો એલર્ટ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની ટીમો પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે શહેરના નાગરિકોને આજે દિવસભર કામ વગર ઘરની બહાર નહી નીકળવા અપીલ કરી છે.
અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સવારથી જ વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. હાટકેશ્વર ઉપરાંત મણિનગર, અમરાઈવાડી, ઘોડાસરમાં પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે જેના પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં મધરાતે પડેલા ભારે વરસાદના પગલે જનજીવન પર અસર પડતાં જ સરકારી તંત્ર પણ એલર્ટ થયેલું છે અને રાજયના સ્ટેટ કંટ્રોલ મારફતે અમદાવાદમાં સર્જાયેલી સ્થિતિ સમીક્ષા કરવામાં આવી રહી છે.
મધરાતથી જ અમદાવાદ મ્યુનિ. કોર્પો.નો કંટ્રોલ રૂમનો ફોન સતત રણકતો રહયો હતો. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડો ધરાશાયી થયા છે આ ઉપરાંત કેટલાક સ્થળોએ ભુવા પડવાની ફરિયાદો મળી છે ત્યારે કોઈ અઘટિત ઘટતા ન ઘટે તે માટે તાત્કાલિક અસરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જયારે ભુવાની આસપાસ બેરીકેટ લગાવી દેવામાં આવી છે.