અમદાવાદ સહિતના શહેરોમાં ૫ રૂપિયામાં ભોજન મળશે

અમદાવાદ, અમદાવાદ સહિતના શહેરોમાં ભાજપ સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે. જેમાં આ યોજના હેઠળ વિતરણ થતા ભોજનનો દર રૂ.૧૦ હતો. તેમાં રૂ.૫નો ઘટાડો કરવાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે.
તેના કારણે શ્રમિકોને હવે ભોજન માટે માત્ર રૂ.૫ જ ચુકવવા પડશે. શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ.૧,૮૩૭ કરોડની ફાળવણી કરતા નાણામંત્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજનના દરમાં રૂપિયા પાંચનો ઘટાડો કરવાની સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેનો વ્યાપ વધારવા રૂ.૩૪ કરોડની જાેગવાઈ કર્યાનું જાહેર કર્યુ છે.
નાણાંમંત્રીએ દરેક જિલ્લામાં આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે તેના પગલે હવે રાજ્યભરના શ્રમિકોને ટોકનદરે ભોજન મળી રહેશે અને કોઈ ભૂખ્યું નહીં રહે. ઉપરોક્ત યોજનાની જેમ બજેટમાં ફરીથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ એક લાખ યુવાનોને તાલીમબધ્ધ કરવાના લક્ષ્યાંકનો દાવો કરાયો છે. જેના માટે રૂ.૫૨ કરોડની જાેગવાઈ થઈ છે.
ડ્રોન સ્કીલ ઈન્સ્ટિટયુશન સ્થાપવા પણ રૂ.૨૦ કરોડ ફાળવાયા છે. યુવાનોનું ઉદ્યોગો તેમજ બીજા ક્ષેત્રોની જરૂરિયાત મુજબનું કૌશલ્યવર્ધન થાય તે માટે ૫૧ નવા ભવિષ્યલક્ષી કોર્સ દ્વારા ૫૦ હજાર તાલીમાર્થીઓને તાલીમ આપવાનો ર્નિણય કરાયો છે. હાલના ૫૦ અને નવા ૫૧ કોર્સ મળી ૧૦૧ કોર્સ મારફત તાલીમ આપવા માટે ૫૨૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.HS