અમદાવાદ સહીત અન્ય રાજયોમાં ચીલઝડપ કરનાર શખ્શ ઝડપાયો
પોલીસની બીકે રાજય છોડ્યુ: બાદમાં બેંગ્લોર- હેદરાબાદમાં ચેઈન સ્નેચીંગના ગુના આચર્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ભીમજીપુરા વિસ્તારમાંથી પોલીસે આંતરરાજય ચેઈન સ્નેચીંગ કરનાર એક શખ્શને ઝડપી લીધો છે તેની કડક પુછપરછમાં ૧૮ જેટલાં ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જેમાંથી ૧ર ગુના તેણે ગુજરાત બહાર આચર્યા હતા ચેઈન સ્નેચર અગાઉ પણ પોલીસના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે શહેર ક્રાઈમબ્રાંચના પીઆઈ એન.આર. બ્રહ્મભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે અગાઉ શહેરમાં ચેઈન સ્નેચીંગમાં સંડોવાયેલો શખ્શ ભીમજીપુરા પાસે હોવાની બાતમી મળી હતી જેના પગલે ક્રાઈમબ્રાંચની ટીમે ઉમેશ ખટીક (સોનાલી પાર્ક, ચાંદલોડીયા) નામના શખ્સને ઝડપી લીધો હતો.
પુછપરછમાં ઉમેશ વર્ષ ર૦૧૬થી ચેઈન સ્નેચીંગ કરતો હતો. અમદાવાદમાં ચીલઝડપ દરમિયાન ર૦૧૭માં પોકસોના ગુનામાં પકડાયા બાદ વર્ષ ર૦૧૯માં તડીપાર કરવામાં આવ્યો હતો જુદાં જુદા ગુનાસર જેલમાં રહયા બાદ તે ઓગસ્ટ ર૦ર૧માં બહાર આવ્યો હતો અને નારોલમાંથી એક્ટિવા ચોરી ફરી ચીલઝડપના ગુના આચર્યા હતા. જેમાં પોલીસને તેની સંડોવણી માલુમ પડતાં રાજય છોડી બેંગ્લોર અને ત્યારબાદ હૈદરાબાદ ગયો હતો ત્યાં પણ જુદા જુદા વિસ્તારોમાં ચોરીના વાહનોનો ઉપયોગ કરી ચેઈન સ્નેચીંગના ગુનાઓને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં તેની સામે અમદાવાદ શહેરમાં છ, હૈદરાબાદમાં આઠ તથા બેંગ્લોરમાં ચીલ ઝડપના ચાર ગુના નોંધાયા છે ઉમેશ એક જ દિવસમાં એકથી વધુ ગુના આચરી ભાગી જતો હોવાનું સામે આવ્યું છે.