અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ ખાતે ‘’ઈટી ગવર્મેન્ટ – અર્બન ટ્રાન્સફર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટ- 2020 યોજાઈ
સ્માર્ટ સીટી મિશન’ જનઆંદોલન બની ચૂક્યું છે : મુખ્યમંત્રીશ્રી -: શ્રી વિજયભાઈ રૂપાણી -:
- શહેરોના પડકારોને પહોંચી વળવા વડાપ્રધાનશ્રીએ સ્માર્ટ સીટીનો વિચાર આપ્યો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે આયોજીત ‘’ઈટી ગવર્મેન્ટ – અર્બન ટ્રાન્સફર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટ- 2020’’ ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્માર્ટ સીટીના કારણે સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવી ગુજરાતને અને દેશને એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર કહ્યું કે, અંગ્રેજોની ગુલામીથી દેશને મુક્ત કરાવવા માટેનું સ્વાધીનતા આંદોલન આ સાબરમતી નદીના તટથી જ શરુ થયું હતું અને આપણે એ જ સાબરમતી નદીના કાંઠાઓનો વિકાસ કરીને દુનિયાને સાબરમતી રિવરફ્રંટની ભેટ ધરી છે.
શ્રી વિજયભાઈએ ગુજરાતના વિકાસની રૂપરેખા આપતાં કહ્યું કે, ગુજરાત આજે ઈન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે અને મેન્યૂફેકચરિંગ હબ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેના પરિણામે રાજ્યના શહેરોમાં રોજી-રોટી અને વેપાર માટે સમગ્ર દેશમાંથી લોકો આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ સમિટના આયોજનને આવકારતા કહ્યું કે, ગુજરાતના નગરો અને મહાનગરો સ્માર્ટ સીટી અને ગુડ ગવર્નન્સમાં દેશ માટે રોલ મોડલ બની ચૂક્યા છે અને આને બળ પુરુ પાડતી આ સમિટ ‘Right Job At Right Time’ સાબિત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, નગર અને મહાનગરોમાં જનસેવામાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ અંતે તો ધ્યેય જનકલ્યાણ જ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 21મી સદીના વિઝનમાં સ્માર્ટ સીટી કન્સેપ્ટ એ એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આમાં ન્યૂ ઈન્ડિયાની ઝાંખી થાય છે.
ગુજરાતના શહેરો માત્ર સ્માર્ટ જ નહીં, પણ સુરક્ષિત પણ બની રહ્યા છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે, મહિલાઓની સુરક્ષા માટે શહેરોના ખૂણે-ખૂણે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના મોનીટરિંગ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પબ્લીક બાઈક શેરિંગ સિસ્ટમ ‘AMDABIKE’નું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી બીજલબહેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, અર્બન પ્લાનિંગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.