Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલના સફાઇકર્મીઓ બિમાર પડ્યા, ટૂંકી સારવાર લઇને તુરંત દર્દીઓની સેવામાં પુનઃ લાગી ગયા

“સ્વ” ને ભૂલીને સમષ્ટિના હિત માટે સતત ખડેપગે રહેતા સિવિલ હોસ્પિટલના ૧૭૦૦ સફાઇકર્મીઓ

એક મહિલા અને બે પુરૂષ સફાઇકર્મીઓ બિમાર પડ્યાં, પણ ટૂંકી સારવાર લઇને તુરંત પુનઃ ફરજ પર જોડાઇને કર્તવ્ય પ્રત્યેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓએ માંદગીમાં સપડાયા બાદ સામાન્ય સારવાર લઇને તુરંત ફરજ પર જોડાઇને સમષ્ટિ પ્રત્યેના સમર્પણ અને ફરજનિષ્ઠાનું એક જ્વલંત ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

આ બનાવ પૂરવાર કરે છે કે જ્યારે સવાલ ફરજનિષ્ઠા કે સમાજ પ્રત્યેના સમર્પણનો હોય તો સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબો જ નહીં પણ સફાઇ કર્મચારીઓ પણ દર્દીઓના હિત માટે “સ્વ”ને ભૂલીને કામ કરે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તમામ કર્મચારીઓ અત્યારે કોરોનાના દર્દીઓની સેવામાં દિનરાત ખડેપગે કર્તવ્યરત્ છે ત્યારે સફાઇ કર્મચારીઓનું ફરજ પ્રત્યેનું આ સમર્પણ અન્ય અસંખ્ય કર્મચારીઓ માટે સેવાભાવનાનું એક ઉત્તમ દૃષ્ટાંત પ્રસ્થાપિત કરનારું છે.

સમગ્ર ઘટના એવી છે કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા સફાઇ કર્મી કોમલબેન દેશભરતા અને બે પુરૂષ સફાઇ કર્મચારીઓ પ્રકાશભાઇ રાઠોડ અને દિપકભાઇ નાડિયા કોરોના ડ્યૂટીમાં તહેનાત હતા. ફરજ દરમિયાન આ સફાઇ કર્મચારીઓ પોતે બિમાર પડ્યા, તેમને ચક્કર સહિતની સમસ્યાઓ શરૂ થઈ.

 

સફાઇ કર્મચારીઓમાં બિમારીના લક્ષણો જણાતા, સિવિલના તબીબોએ તેમને તપાસ્યાં, પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ તબીયતમાં સુધાર જણાઇ આવતા તબીબોએ સફાઇ કર્મચારીઓને ઘરે જઇને આરામ કરવા જણાવ્યું પરંતુ સામે આ સફાઇકર્મીઓએ ફરજ પર રહેવાનો નિર્ણય કર્યો.

સફાઇકર્મીઓનું કહેવું હતું કે હાલના સંજોગોમાં ઘરે જઇને નિરાંતે આરામ કરવા કરતા હોસ્પિટલમાં રહીને આરોગ્યપ્રદ માહોલની જાળવણી કરવી અને દર્દીઓની સેવા વધારે જરૂરી છે. અત્યારનો આ કપરો સમય આરામનો નહીં પણ દર્દીઓ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાનો છે.

આખરે સફાઇ કર્મચારીઓના ખુદના આરોગ્યની સમસ્યા સામે તેમની કર્તવ્યપરાયણતા જીતી ગઈ. સફાઇ કર્મચારીઓએ હોસ્પિટલમાં જ મામૂલી સારવાર લીધી, તેમને જરૂરી દવા-સુશ્રુષા અપાઈ. જરૂરી દવા લઇને સફાઇ કર્મીઓ તુરંત પાછા ફરજ પર આવી ગયા.

આ સફાઇ કર્મીઓ કોરોનાની શરૂઆત થઇ ત્યારથી કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના સામાન્ય વોર્ડ, આઇ.સી.યુ., ડાયેટ વિભાગ તેમજ ટ્રાયેજ એરિયામા ફરજ નિભાવી ચૂક્યા છે.

ટ્રાયેજ એરિયામાં દર્દી ૧૦૮ માં ઇમરજન્સી સ્થિતિમાં આવે ત્યારે તેને સ્ટ્રેચર પર શિફ્ટ કરાવવું અને ઓક્સિજન સપ્લાય પુરો પાડવો અને મુખ્ય ગેટ થી ટ્રાયેજ સુધી ત્વરિત સારવાર અર્થે લઇ જવાની ત્યારબાદ તેમને વોર્ડમાં શિફ્ટ કરાવવાની અત્યંત મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે.

સામાન્ય રીતે સમાજ દર્દીઓ જીવ બચાવનારા તબીબો કે મેડિકલ ટેક્નિશિયન્સને માનની નજરે જોતો હોય છે. પણ આવા સફાઇ કર્મચારીઓ પણ આ માનના હકદાર છે .

સાચી હકીકત એ છે કે હોસ્પિટલોમાં દિવસ-રાત સફાઇ અને આરોગ્યલક્ષી સ્વચ્છતાની જાળવણી કરીને ચોવીસેય કલાક આરોગ્યપ્રદ માહોલ જાળવવાની સૌથી મહત્વની કામગીરી સફાઇ કર્મચારીઓના શિરે જ હોય છે, આ ઘટનાએ સાબિત કર્યું છે સમય આવ્યે સફાઇ કર્મચારીઓ સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાની મિસાલ બની શકે છે.

અમદાવાદ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી જણાવે છે કે અમારી સિવિલ હોસ્પિટલમાં ૧૭૦૦ થી વધારે સફાઇ કર્મીઓ દિવસ રાત ફરજ અદા કરીને દર્દીનારાયણની સેવા-સુશ્રુષાનો અવિરત પ્રવાહ વહાવી રહ્યા છે. કોવિડ અને નોન કોવિડ એરિયામાં જ્યાં પણ તેમને ફરજ સોંપવામાં આવે તેઓ તેનો સહર્ષ સ્વીકાર કરીને કર્તવ્યનિષ્ઠાની મિસાલ પૂરી પાડી રહ્યા છે.- અમિત સિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.