Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં કોવિડ-19 રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે

Files Photo

પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતી કાલે 5 મી જાન્યુઆરી ના રોજ કોવિડ -19 વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાશે. આ ડ્રાય રન અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરો માટે યોજાનાર છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ રૂબરૂ હાજર રહીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર ડ્રાય રનનું આયોજન થનાર છે.સૌપ્રથમ વેક્સિનેસન માટેની ટીમો જૂથમાં વિભાજીત થઇને સરકાર દ્વારા તૈયાર કરાયેલ સોફ્ટવેરમાં નોંધાવામાં આવેલ હેલ્થકેર વર્કરના અગ્રતા ક્રમ પ્રમાણે તેઓનું વેક્સિનેસન કરવામાં આવશે. અગ્રતાક્રમની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન સોફ્ટવેર દ્વારા સંચાલિત થઇ રહી છે.

પ્રાથમિક તબક્કે શરૂઆતમાં કુલ 25 હેલ્થકેર વર્કરોની ડ્રાય રન માટે પસંદગી કરવામાં આવી છે.એક વ્યક્તિને રસી આપવા 2 થી 3 મીનીટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ રસી આપવામાં આવેલ વ્યક્તિને હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલ અલાયદા રૂમમાં અડધા થી એક કલાક માટે આઇસોલેટ કરવામાં આવશે. જેમાં ટીમ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવશે.

આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીમાં સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો  અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાય તો વેક્સિન લેનાર વ્યક્તિને આઇ.સી.યુ.માં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ જે.વી.મોદી જણાવે છે કે “સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, સફાઇ કર્મીઓ મળીને 7000 જેટલા અમારા સ્ટાફમિત્રોને ભારતસરકાર દ્વારા નિર્ધારીત કરાયેલ નિયમ મુજબ અને રાજ્ય સરકારના દિશાનિર્દેશોનું ચુસ્ત પણે અમલીકરણ કરીને સમગ્ર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે”.

આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીમાં સમગ્ર વેક્સિનેસન ડ્રાય રન એટલે કે કોરોના વેક્સિનનો પૂર્વાઅભ્યાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 285 સ્થળોએ પરીક્ષણ અને અભિયાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પૂર્વાઅભ્યાસ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરી અને ગ્રામીણ જિલ્લાઓ સાથે દુર્ગમક્ષેત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.