અમદાવાદ સિવિલ ખાતે વર્લ્ડ ORS સપ્તાહની ઉજવણી થશે
અમદાવાદ, સમગ્ર વિશ્વના નાગરિકોને ‘ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ (ર્ંઓઆરએસ) ના મહત્વને સમજાવવા માટે પ્રતિવર્ષ ૨૯ જુલાઈએ ‘વર્લ્ડ ઓ.આર.એસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે માતાઓ અને નાગરિકોમાં ઓઆરએસને લઈ જાગૃતિ આવે તે માટે એક સપ્તાહ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે માતાઓને ઓઆરએસનું મહત્વ તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.ઓઆરએસ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માતાઓએ ઓઆરએસ વિશે સમજ મેળવી હતી
તેમજ અન્ય પાંચ મહિલાઓને ઓઆરએસની સાચી સમજ આપવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડાૅ. જે.પી.મોદી, એડીશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડાૅ. રજનીશ પટેલ, પિડિયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડાૅ. રાકેશ જોશી, પિડિયાટ્રિક્સ વિભાગના વડા ડાૅ. જોલી વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળરોગ વિભાગના પ્રોફેસર ડાૅ. બેલા શાહ જણાવે છે કે ઝાડા-ડાયરિયામાટે ઓઆરએસ અમૃતસમાન છે. ઝાડા માટેની એકમાત્ર દવા ઓઆરએસ અને ઝીંક છે. અમારા વિભાગ દ્વારા દરેક માતા-પિતાને ઓઆરએસનું મહત્વ સમજાવીએ છીએ.
આંગણવાડી કાર્યકર, શિક્ષકોને માર્ગદર્શન આપવા માટે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વરસાદની ઋતુમાં ઝાડા-ઊલટીના પ્રમાણમાં વધારો થતો હોવાથી બાળરોગ વિભાગમાં આવનાર તમામ બાળકોને ઓઆરએસ આપવામાં આવે છે” બાળરોગ વિભાગના પ્રોફેસર ડાૅ. ગાર્ગી પાઠક કહે છે કે “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે સમગ્ર વિશ્વમાં પ્રતિવર્ષ પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૫ લાખ ૨૫ હજાર બાળકો માત્ર ડાયેરિયાના લીધે મૃત્યુ પામે છે. ડાયેરિયા એક સામાન્ય રોગ છે જે મોટાભાગે વાયરસના ચેપથી થાય છે ઘણીવાર તે બેક્ટેરિયા અથવા પ્રજીવથી પણ થઈ શકે છે. યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઓઆરએસ લેવામાં આવે તો તરતજ ડ્રિહાઈડ્રેશનથી બચી શકાય છે.