અમદાવાદ-સુરતમાં માર્ગ દુર્ઘટના નિવારણ માટે ટૂંકમાં કમિટિ બનશે
અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં બીઆરટીએસ દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અમદાવાદ-સુરતમાં અકસ્માત અને ટ્રાફિક નિયમન માટે એક અલાયદી કમીટીની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આજે ગાંધીનગર ખાતે અમદાવાદ શહેરમાં થતાં અકસ્માતો તથા ટ્રાફિક નિયમન માટે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, મેયર બિજલ પટેલ સહિત અમદાવાદના ધારાસભ્યો, કોર્પોરેટરઓ અને પોલીસ તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બીઆરટીએસના અકસ્માતથી મૃત્યુ પામેલ યુવાનો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને આ માટે નક્કર પ્રયાસો હાથ ધરવા સૂચના આપી છે જેના સંદર્ભે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક-નિયમન માટે અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષે તથા મ્યુનિસિપલ કમિશનરના ઉપાધ્યક્ષ પદે કમીટીની રચના કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, સીટી એન્જીનીયર, જોઇન્ટ પોલીસ કમિશનર(ટ્રાફિક) સભ્યો તરીકે રહેશે. આ કમીટી દર પંદર દિવસે મળશે અને તે મુજબની કામગીરી કરશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને બીઆરટીએસ દ્વારા અકસ્માત ન થાય તે માટે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરાશે. સમગ્ર બીઆરટીએસ કોરીડોરને સીસીટીવીથી વધુ સુસજજ કરાશે. બીઆરટીએસ ટ્રેક પર ખાનગી વાહનો જે ઘૂસી જાય છે એ સંદર્ભે પણ કોગ્નીઝેબલ ગુનો ગણીને દંડનીય કાર્યવાહી કરાશે અને ધરપકડ પણ કરવામાં આવશે.
બીઆરટીએસના ખાનગી સંચાલકો દ્વારા વર્કલોડના કારણે ડ્રાઇવરોને નિશ્ચિત સમયમાં પહોંચવાનું હોય છે જેના કારણે ગતિ વધુ હોય છે. તેમ છતાંય બસોની ગતિ મર્યાદા બાંધી દેવાઇ છે તેનો સુરતમાં પણ આગામી સમયમાં અમલ કરાશે.
મંત્રીએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરની બીઆરટીએસનો સમગ્ર કોરીડોર સીસીટીવીથી સુસજ્જ છે જ પરંતુ નબળી લેન્ડવીથના કારણે તેના વીડિયો ગુણવત્તાલક્ષી મળતા નથી. આ માટે પણ સત્વરે કામગીરી કરાશે અને સમગ્ર કોરીડોરને ઉચ્ચ પ્રકારની સુવીધાથી સજ્જ કરી દેવાશે. બીઆરટીએસના સમગ્ર માર્ગ પર જ્યાં જરૂર હશે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટેની પણ વિચારણા કરાઇ છે.
તે સંદર્ભે પણ આગામી સમયમાં વ્યવસ્થા ગોઠવવાનું અમારુ આયોજન છે. બીઆરટીએસના જે સંભવિત અકસ્માતના સ્થળો છે તે સ્થળોની આવતીકાલે ગૃહમંત્રી જાડેજા સ્થળ મુલાકાત લેનાર છે તેમની સાથે અધિકારીઓ પણ જોડાશે.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, બીઆરટીએસ દ્વારા થતા અકસ્માતો સંદર્ભે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી કામ કરે છે. કોઇપણ વ્યક્તિને મહામૂલી જિંદગી ગુમાવવી ન પડે તે માટે ટ્રાફિક નિયમનની વ્યવસ્થાઓ છે. તેને વધુ સુદ્રઢ બનાવીને આ માટે કાયમી વ્યવસ્થાઓ ઉભી થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે શહેરમાં ટ્રાફિકનું નિયમન પદ્ધતિસરનું થાય તે માટે પણ સઘન આયોજન કરવું જોઇએ તથા નવા વિકાસના કામો હાથ ધરવામાં આવે ત્યારે ટ્રાફિકને અડચણ ન થાય તે મુજબના આયોજન કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું.