અમદાવાદ હાટ ખાતે મેળાનું આકર્ષણ: કચ્છી ઘોડી, પપેટ શો, રાવણ હથ્થો અને મેજિક શો
આઝાદી કા અમૃત મહોત્સવ- હસ્તકલા દિવાળી મહોત્સવ -અમદાવાદ હાટ ખાતે ૨ નવેમ્બર સુધી દિવાળી હસ્તકલા મેળો સવારના ૧૧ થી રાત્રિના ૮ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
‘’વોકલ ફોર લોકલ’ ને સાર્થક કરવા સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન આપીએ ‘’ – કુટિર ઉદ્યોગમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે કુટિર અને ગ્રામોદ્યોગ અને ઇન્ડેક્ષ્ટ-સી , ગાંધીનગરના આયોજનથી દિવાળી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
હસ્તકલા મેળાને ખુલ્લો મૂકતાં કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે “ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનુ સર્જન કરીને રોજગારી સાથે આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે. જે આપણા દેશનો સમૃદ્ધ વારસો છે. ભારતની કલા આજે પણ દેશ – વિદેશમાં પ્રખ્યાત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંદેશ ‘વોકલ ફોર લોકલ’ ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમ જણાવતા કુટિર ઉદ્યોગમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
રાજયના હસ્તકલાના કારિગરોના વિકાસ અર્થે દરેક વસ્તુઓને બજાર વ્યવસ્થા મળી રહે તેવા સુચારુરૂપ આયોજન માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે, તેમ મંત્રી શ્રી જણાવ્યું હતું.
મંત્રી શ્રી એ સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાની વિવિધ વસ્તુઓ નિહાળી હતી. ત્યારબાદ વિવિધ જીલ્લાઓમાથી આવેલા હસ્તકલાના કારિગરો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો.અને તેઓ પોતાની પ્રોડકટ કઈ રીતે બનાવે છે?અને તેનું વેચાણ કઈ રીતે કરે છે? તે વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
દિવાળી હસ્તકલા મેળામાં ૧૫૦ કરતા વધારે સ્ટોલમા સમગ્ર રાજ્યમાંથી હસ્તકલાના અનેક કારિગરો આવ્યા છે. કચ્છી ઘોડી, પપેટ શો, રાવણ હથ્થો અને મેજિક શો મેળાના મુખ્ય આકર્ષણ તરીકે ઉભરી આવે છે.
દિવાળી હસ્તકલા મેળાનું પ્રદર્શન અને વેચાણ કોવિડ ૧૯ના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે.
આ મેળામાં કચ્છી ભરતકામ, પટોળા સાડી, બાંધણી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, કોપર્બેલ, મડ-મિરર વર્ક, જવેલરી, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ ,
મોતીકામ, ભરતકામ , દિવાળી માટે સ્પેશિયલ રંગોળી, માટીના કોડિયા, તોરણ , હાથશાળ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા.૨ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનાર મેળો સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે.
આ પ્રસંગે બિઝનેશ વુમન વિંગ કમિટીના ચેરપર્સન (GCCI) સુશ્રી કુસુમ કૌલ વ્યાસ, રાજપથ કલબના મહિલા વિંગના ચેરપર્સન બેલાબેન શાહ, ઇન્ડેક્ષ્ટ-સી ,ગાંધીનગરના કાર્યવાહક નિયામકશ્રી રિન્કેશભાઇ પટેલ, કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ શ્રી રાકેશભાઇ શંકર (IAS) , ચેમ્બર્સ ઓફ ગુજરાત મહિલા વિંગ અને વિવિધ જીલ્લાઓમાથી હસ્તકલા કારિગરો ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન