અમદાવાદ હાટ ખાતે ૧૬ ઓગસ્ટ સુધી હસ્તકલા મેળો ખુલ્લો રહેશે

આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાર્થક કરી સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ
અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંદેશ વોકલ ફોર લોકલ ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ દિશામાં પગલાં ભરવા જોઈએ. અમદાવાદ હાટ ખાતે હસ્તકલા મેળાનું પ્રદર્શન અને વેચાણ અનલોક-૩ ના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવવાનો છે.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં સ્થાનિક કારીગરોની કલાને પ્રોત્સાહન મળે તે માટે કુટીર અને ગ્રામોદ્યોગ ઈન્ડેક્સ-સી
દ્રારા અમદાવાદના ૪૦ સ્થાનિક કારીગરો દ્વારા હાથશાળની બનાવટ , હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ,
મોતીકામ, ભરતકામ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે.તા ૧૬ ઓગસ્ટ સુધી ચાલનાર મેળો બપોરે ૧ થી રાત્રિના ૮ વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે.