અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ
સમગ્ર વિશ્વમાં તા. 19 નવેમ્બરથી તા. 24 નવેમ્બર દરમિયાન હેરિટેજ વીકની ઉજવણી થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના સહયોગથી ધ દૂરબીન એ અમદાવાદના હાર્દ સમા કોટ વિસ્તાર જેવાકે કવિ દલપતરામ ચોક, કવિ અખાભગત ચોકમાં તા. 23 અને 24 નવેમ્બર હેરિટેજ વીકના અનુસંધાને “અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ”નું આયોજન કર્યું હતું. જેમાં હેરિટેજ વોક, હેરિટેજ ફૂડ વોક, હેરિટેજ ટોક, હેરિટેજ પેઇન્ટિંગ વર્કશોપ,વિસરાતી રમતો અને 24મી નવેમ્બરના રોજ સમાપનના ભાગરૂપે રાત્રે રોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા રોકસ્ટાર અરવિંદ વેગડા, લીલાધર વાઢિયા, હિમાંશુ ચૌહાણ તથા તેમની ટીમે રોકડાયરાની જમાવટ કરી હતી. આ ફેસ્ટિવલમાં અંદાજે 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
” ધ દૂરબીન” એ અમદાવાદ અને સુરતમાં વસતા આજની પેઢીના યુવાનોએ શરુ કરેલી ગુજરાતના વારસા અને માતૃભાષાનાને જન-જન સુધી પહોંચાડવાની એક ઝુંબેશ છે. ધ દૂરબીન સંસ્થા થકી તેઓ, જે રીતે દૂરબીન દૂરનું નજીક બતાવે છે તેમ યુનેસ્કો દ્વારા જાહેર થયેલ વર્લ્ડ હેરિટેજ શહેર” અમદાવાદ” તથા ગુજરાતના ગૌરવવંતા વારસાને આજની યુવા પેઢી તથા આવનાર પેઢી સુધી પહોંચાડવા માંગે છે અને આ માટે તેઓ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે. તેઓ દર રવિવારે અમદાવાદની પોળમાં હેરિટેજ વોકના આયોજનથી માંડીને અમદાવાદના ફેમસ હેરિટેજ ફૂડને પણ લોકો સુધી પહોંચાડવા, તેની પાછળ રહેલી ક્યારેય ન કહેવાયેલી વાતોને લોકો સુધી પહોંચાડવા “ફૂડ વોક”નું પણ આયોજન કરે છે.