અમદાવાદ RTOનો ર૦૦૮ પહેલાનો ડેટા ગાયબ, ટ્રાન્સપોર્ટ વિભાગ અજાણ!!
મલાઈદાર સ્માર્ટ કાર્ડનો કોન્ટ્રાક્ટ ન મળતા જૂની કંપની ડીજીટલ ડેટા ડીલીટ કરીને ઉચાળા ભરી ગઈ, નાગરીકો ત્રાહિમામ- અમદાવાદના જ પાંચ લાખ નાગરીકો પરેશાનીમાં મુકાઈ ગયા છે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતની ભાજપ સરકારે (BJP Government Gujarat) દેશમાં સૌ પ્રથમ વખત વાહન ચાલકોને અપાતા ડ્રાઈવિંગ લાયસન્સ ઈલેકટ્રોનિક્સ ચીપ (Driving Licence with Electronic Chip) સાથે સ્માર્ટ કાર્ડ રૂપમાં Smart Card આપવાની અમદાવાદ આરટીઓ (Ahmedabad RTO) કચેરીથી શરૂઆત કરવામાં આવી હતી. આ પછી તબક્કાવાર રીતે રાજ્યની અન્ય આરટીઓમાં આ પધ્ધતિ શરૂ કરાઈ હતી. અમદાવાદ આરટીઓમાં કાર્યરત સ્માર્ટ કાર્ડ કંપનીના કોન્ટ્રાક્ટ રીન્યુઅલમાં ર૦૦૯માં સરકાર સાથે વિવાદ થતાં તેમણે ર૦૦૮ સુધીના લાયસન્સનો ડેટા (Licence data before 2008) આરટીઓ કચેરીના રેકોર્ડમાંથી ડીલીટ કરી દીધો છે. એના કારણે એકલા અમદાવાદના જ પાંચ લાખ નાગરીકો પરેશાનીમાં મુકાઈ ગયા છે.
આ બાબતે ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો સંભાળતા કૃષિમંત્રી આર.સી.ફળદુને R. C. Faldu જ વાહન વ્યવહાર વિભાગે અજાણ રાખ્યા છે.
૧પ મી ઓક્ટોબરથી લાગુ થનારા નવા રોડ ટ્રાન્સપોર્ટ નિયમોના પગલે હવે વાહનચાલકે લાયસન્સ, પીયુસી, વાહન રજીસ્ટ્રેશન બુક, દ્વિચર્કી વાહનચાલકોએ આ બધા ડોકયુમેન્ટ ઉપરાંત હેલ્મેટ પહેરવું ફરજીયાત કરી દીધુ છે. આ માટે અત્યાર સુધી જેમની પાસે લાયસન્સ વગરે અધિકૃત દસ્તાવેજા નથી તેને મેળવવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
પરંતુ સરકાર અને સ્માર્ટ કાર્ડ કંપનીના ડખાના કારણે પાંચ લાખ લાયસન્સ ધારકોને પોતાના લાયસન્સના રીન્યુઅલ, સરનામા, નામ સુધારણા, વગેરે કરાવવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ અંગે વારંવાર લોકોની ફરીયાદોને પ્રચાર માધ્યમોએ ઉજાગર કરી હોવા છતાં તેના વ્યવહારૂ ઉકેલ અથવા તો આરટીઓમાં અલગથી કોઈ સિસ્ટમ ઉભી કરવા તરફ વાહન વ્યવહાર વિભાગ સદ્તર દુર્લક્ષ્ય સેવી રહ્યો છે. તેનાથી જનતામાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
લાયસન્સ ધારકોએ લાયસન્સ રીન્યુ કરાવવા કે એમાં સુધારાવધારા કરવા માટે ધક્કા ખાવા પડે છે.અને હાલની સ્થિતિમાં તો લાયસન્સ ધારકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. લાયસન્સ રીન્યુઅલ માટે પાંચ વર્ષનો સમયગાળો ઘટાડીને એક વર્ષ કરતા સ્થિતિ વધારે દયનીય બની ગઈ છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને (Transport Minister R. C. Faldu) પૂછતા તેમણે આવી કોઈ પરિસ્થિતિ હોવા અંગે અજ્ઞાતના વ્યક્ત કરી હતી. અને પોતાના વિભાગ પાસે પૃચ્છા કરી હતી.