હમારા સફેદ હાથીઃ અમદાવાદ SVPનું લાઈટબીલ રૂ.એક કરોડને પાર
હમારા સફેદ હાથી |
૩૦૦ બેડની હોસ્પીટલ ૧૦૦ ટકા કાર્યરત નથીઃ માસિક નિભાવ ખર્ચ રૂ.ત્રણ કરોડ રહેશે તેવો અંદાજ મુકવામાં આવ્યો હતો જેમાં ૧.૫ કરોડ તો ઈલેક્ટ્રીક બીલ |
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરીકો પ્રાથમિક સુવિધા માટે વેરા ભરી રહયા છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભાવો તેનો સરે-આમ દુરુપયોગ કરી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશન અને તેની સંલગ્ન સંસ્થાઓમાં પ્રજાના રૂપિયે બારે મહીના “દિવાળી” જેવો માહોલ રહે છે. મ્યુનિ.ભવનના મુજબ કાર્યાલયમાં જ ૧પ૦ જેટલા એ.સી. લગાવવામાં આવ્યા છે.
જયારે રાજય સરકારની ગ્રાન્ટથી તૈયાર થયેલ એસ.વી.પી.હોસ્પીટલને સંપૂર્ણપણે વાતાનુકુલિત બનાવવામાં આવી છે. એસવીપી હોસ્પીટલ કાર્યરત થઈ તે સમયથી તેનું લાઈટબીલ દર મહીને સરેરાશ રૂ.૧.પ૦ કરોડ આવે છે. જે મ્યુનિ. કોર્પોરેશનની દસ કરતા વધુ મિલ્કતો કરતા લગભગ ત્રણ ગણુ વધારે હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માટે એસવીપી હોસ્પીટલ “સફેદ હાથી” સમાન બની રહી છે. હોસ્પીટલ કાર્યરત થઈ તે સમયે તેનો માસિક નિભાવ ખર્ચ રૂ.ત્રણ કરોડ રહેશે તેવો અંદાજ મુકવામાં આવ્યો હતો પરંતુ હાલ દર મહીને લાઈટબીલ ખર્ચ પણ રૂ.૧.પ૦ કરોડ થાય છે. હોસ્પીટલને સંપૂર્ણપણે વાતાનુકુલિત બનાવવામાં આવી છે તથા તેમાં બે હજાર ટનનું એે.સી લગાવવામાં આવ્યું હોવાથી બીલની રકમ વધારે આવે છે.
તેવા બચાવ થઈ રહયા છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે જે સમયે માત્ર ૩૦૦ બેડ થી હોસ્પીટલ શરૂ કરવામાં આવી હતી તે સમયે પણ રૂ.૬૮ લાખનું વીજબીલ આવ્યું હતું. હાલ પણ હોસ્પીટલ ૧૦૦ ટકા કાર્યરત નથી તેમ છતાં દર મહીને સરેરાશ વીજબીલ રૂ.૧.પ૦ કરોડ આવી રહયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
નીચે જણાવેલ તમામ મિલકતોનું કુલ માસિક લાઈટ બીલ 50 લાખ આવે છે,
|
|
એસવીપી હોસ્પીટલના ૧પ માળ પેટે રૂ.૧.પ૦ નું વીજબીલ ચુકવાય છે. જેની સામે મ્યુનિ. કોર્પોરેશનના દસ કરતા વધુ મિલ્કતોનું બીલ રૂ.પ૦ લાખ જ આવી રહયું છે !
મ્યુનિ.કોર્પોરેશનના મુખ્ય દાણાપીઠ કાર્યાલય ખાતે એ,બી, અને સી બ્લોક ઉપરાંત મધ્યઝોન ઓફીસના બીલ્ડીંગનો પણ સમાવેશ થાય છે. જેમાં અંદાજે ૧પ૦ જેટલા નાના-મોટા એ.સી.મશીન લગાવવામાં આવ્યા છે. મુખ્ય કાર્યાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફીસ છે. જેમાં ઓફીસદીઠ ચારથી પાંચ એ.સી.લગાવવામાં આવ્યા છે.
તેમ છતાં દાણાપીઠ મુખ્ય કાર્યાલયનું માસિક લાઈટ રૂ.દસ લાખ આવે છે. તદ્ઉપરાંત ટાગોરહોલ, ટાઉનહોલ, અમરાઈવાડી પમ્પીંગ સ્ટેશન, વસંત ગજેન્દ્ર ગડકટ સ્નાનાગર, નગીનાવાડી, કાંકરીયા, કાંકરીયા ફુવારો, કુશાભાઉ ઠાકરે કોમ્યુનીટી હોલ, મ્યુનિ. સ્નાનાગર સરદાર પટેલ સ્ટેડીયમ, રાજમાતા વિજયા રાજે સીંધીયા ભવન,બોડકદેવ, સ્વામી વિવેકાનંદ જીમ્નેશીયમ તથા મ્યુનિ. પુસ્તકાલય, શહીદવીર મંગલ પાંડે ઓડીટોરીયમ-નિકોલ, મલ્ટીલેવલ મલ્ટીલેવલ પાર્કીગ-કાંકરીયા, બોડકદેવ ઓડીટોરીયમ હોલ, શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનીટી હોલ ખોખરા, આરોગ્ય ભવન ગીતામંદીર, મલ્ટીલેવલ કારપાર્કીગ-નવરંગપુરા તથા ડી.કે.પટેલ હોલ-નારણપુરા જેવી મિલ્કતોની અંદાજે ૧૭ જેટલી સર્વીસનું માસિક બીલ માત્ર રૂ.પ૦ લાખ આવે છે. જેની સામે એકમાત્ર એસવીપી હોસ્પીટલનું માસિક લાઈટ બીલ રૂ.૧.પ૦ કરોડ આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન માટે એસવીપી હોસ્પીટલ “સફેદ હાથી” જ બની રહેશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. મ્યુનિ.કમીશ્નર એસવીપીને “મેટ” નું અભિન્ન અંગ ગણાવી રહયા છે. સરકારની ગ્રાન્ટમાંથી હોસ્પીટલ તૈયાર કરવામાં આવી હોવાના ગાણા શાસકો ગાઈ રહયા છે. તેમ છતાં દર વર્ષે જનમાર્ગ અને રીવરફ્રન્ટ લીમીટેડ ની જેમ એસવીપી માટે પણ અલગ ફંડની વ્યવસ્થા કરવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. જનમાર્ગ અને રીવરફ્રન્ટ લીમીટેડ અલગ સંસ્થાઓ હોવા છતાં મનપાની ફંડ આર્થિક સહાય પર જ નિર્ભર છે.
તેવી જ રીતે “મેટ” પણ ર૦ લાખ કરદાતાઓના પરસેવાની કમાણી પર જ નિર્ભર છે. એ અલગ બાબત છે કે તેની એસવીપી હોસ્પીટલમાં કરદાતાઓ સારવાર લેવા માટે વલખા મારી રહયા હોય છે. તથા દાખલ થતા પહેલા એડવાન્સ રકમ ભરવા તેમને મજબુર કરવામાં આવે છે. કોંગ્રેસના પૂર્વનેતા અને કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ એસવીપી શરૂ થાય તે પહેલા જ એનએસટુ મેડીકલ કોલેજનો “મેટ”માં સમાવેશ કરવામાં આવ્યો છે.
મેડીકલ કોલેજની તમામ આવક મેટમાં જ જમા થતી હોવાથી તેને આર્થિક સહાય કરવી યોગ્ય નથી. એસવીપીમાં દર મહીને રૂ.એકથી દોઢ કરોડ રૂપિયાનું લાઈટબીલ આવે છે. તે બાબતે આશ્ચર્યજનક છે. મ્યુનિ. કોર્પોરેશનની તમામ મિલકતોનું વાર્ષિક બીલ રૂ. રપથી ૩૦ કરોડ આવે છે. જેની સામે એસવીપીનું વાર્ષિક બીલ રૂ.૧પ કરોડ આવે તો તેને પ્રજાના રૂપિયાની બરબાદી જ માનવામાં આવે. શહેરના નાગરીકો પાસેથી દાદાગીરી કરીને મિલકતવેરાની વસુલાત થાય છે.
જયારે આવા ખર્ચ સામે કોઈ જ નિયંત્રણ નથી ! મ્યુનિસિપલ કમીશ્નર આ મામલે તાકીદે કરકસર ના પગલા લેવા કાર્યવાહી કરે તે જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેશન તથા તેની સંલગ્ન તમામ સંસ્થાઓમાં જે ખોટા ખર્ચ થતા હોય તે બંધ કરીને પ્રજાકીય કામો માટે ખર્ચ કરવામાં આવે તે જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.