અમદાવાની સંકલ્પ સ્કુલની ૩૩ વાનો આર.ટી.ઓ.એ ડીટેઈન કરી
(પ્રતિનિધિ) અમદાવાદ : પંચામૃત સ્કૂલની ઘટના બાદ એકશનમાં આવેલા આરટીઓ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કેટલીક ટીમોએ શાળાની બહાર જ વિદ્યાર્થીઓને લઈને આવતી વાનોનું ચેકિંગ શરૂ થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જેના પગલે વાલીઓ પણ દોડી આવ્યા હતા આ ઉપરાંત શાળાની બહાર પણ કેટલાક સ્થળો પર ભારે ઉહાપોહ મચી ગયો હતો સ્કુલવાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેના પગલે છેલ્લા બે વર્ષથી ચેકિંગ કરવામાં આવી રહયું છે.
આ વર્ષે પણ સત્રના પ્રારંભથી જ ચેકીંગ કરાતું હતું પરંતુ ગઈકાલની ઘટના બાદ આરટીઓની ટીમોએ શહેરભરમાં ચેકિંગ શરૂ કરતા જ સ્કુલવાનના ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો આજે સવારે પ્રથમ કલાકમાં જ સંખ્યાબંધ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ૩૩ જેટલી વાનોને ડીટેઈન કરી દેવામાં આવી હતી જેમાં નિયમોનું પાલન કરવામાં આવતુ ન હતું આ વાનોમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા ઉપરાંત અન્ય નિયમોનો ભંગ થતો જાવા મળતો હતો જયારે કેટલીક વાનોમાં નિયમોના ભંગ બદલ તેઓની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસે ૩૩ જેટલી વાનો ડીટેઈન કરવામાં આવતા જ શાળા સંચાલકો પણ સફાળા જાગ્યા છે સ્કુલવાનોમાં વ્યાપક પ્રમાણમાં નિયમોનો ભંગ થઈ રહયો હોવાની ફરિયાદના પગલે આરટીઓના અધિકારીઓ મુખ્ય વાનો તથા રીક્ષાઓનું ચેકિંગ કરી રહયા છે જાકે સ્કુલ બસોનું પણ ચેકિંગ કરવામાં આવી રહયુ છે જેમાં મોટાભાગની સ્કુલ બસોમાં નિયમ અનુસાર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતાં. સ્કુલ વાનોના ફિટનેશ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવ્યા છે.
જે દરમિયાન કેટલીક વાનોના ચાલકો પાસે ફિટનેશ સર્ટિફિકેટ નહી હોવાનું જાણવા મળી રહયું છે. અમદાવાદની સંકલ્પ સ્કુલની બહાર વ્યાપક પ્રમાણમાં સ્કુલ વાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ડીટેઈન કરાયેલી વાનોમાં મોટાભાગની વાનો આ સ્કુલની હોવાનું જાણવા મળી રહયું છે.
રાજય સરકારના આદેશ બાદ આટીઓ વિભાગ દ્વારા આજે સવારથી જ શહેર વ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પણ આજે સવારથી જ ચેકીંગ કરવામાં આવ્યું હતું આરટીઓ વિભાગની આગેવાની હેઠળ પસાર થતી તમામ વાનોને અટકાવી હતી સ્કુલ વાનો ઉપરાંત ખાનગી વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેના પગલે ખાનગી વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આરટીઓના અધિકારીઓને અપાયેલી સુચના બાદ સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં ઈન્ટરનેશનલ સ્કુલની વાનને પણ ડીટેઈન કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.