”અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં; સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં”
ધન્ય છે, COVID-19 સામે લડનારા કેન્સરગ્રસ્ત દર્દીઓ અને COVID-19ની સામે બાથ ભીડનારા એ લડવૈયા તબીબો
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) સંચાલિત COVID-19 હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયેલા બે સિનિયર સિટીઝન સહીત 5 દર્દીઓ સજા થયા
આજે જાણીતા ગુજરાતી શેખાદમ આબુવાલાની પંક્તિઓ યાદ આવે છે : ”અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં; સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં”
શેખાદમની આ ચિરંજીવી શબ્દોને ખરા અર્થમાં ચરિતાર્થ કરે અને સહુને સુખદ આશ્ચર્ય પમાડે તેવી એક પ્રેરણારૂપ ઘટના આજે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત COVID-19 હોસ્પિટલમાં ખાતે બની છે !
આજરોજ એટલે કે 14 મે ના રોજ કેન્સરના કોરોના સંક્રમિત પાંચ દર્દીઓએ COVID-19 સામેની લડતમાં જીત મેળવી છે. આ પાંચ દર્દીઓ પૈકીના બે ની ઉમર તો 64 અને 74 વર્ષની છે. અત્રે નોંધવું જોઈએ કે, કેન્સરગ્રસ્ત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ આમપણ ઓછી હોય છે. તેઓમાં કોમ્પ્લિકેશન વધુ હોવાના કારણે મોર્ટાલીટી રેટ પણ વધી જતો હોય છે. તે પ્રકારની વિપરીત પરિસ્થિતમાં કોરોનાનો ચેપ લાગવો અને તે સંક્રમણમાંથી બહાર આવવું તે ખરાઅર્થમાં એક મોટી લડાઈ સામેની ભવ્ય જીત સમાન છે !
મધ્યપ્રદેશ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વ્યારા (તાપી)ના આ કેન્સરના દર્દીઓની ઉમર 24થી 74 વર્ષ સુધીની છે. આ પૈકીના ત્રણ દર્દીઓ લ્યૂકેમિયા (બ્લડ કેન્સર), એક દર્દી 1 લિમ્ફોમા તથા દર્દીને મોટા આંતરડાનું કેન્સર છે. જે પૈકીના ત્રણ મહિલા અને બે પુરુષ દર્દીઓ છે. આ દર્દીઓને સારવાર કરી રહેલા Gujarat Cancer Research Institute (GCRI)ના નિયામક ડૉ. શશાંક પંડ્યાની ટીમના એક તબીબે જણાવ્યું હતું કે, આ પાંચેય દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા બાદ અમારી જ હોસ્પિટલમાં ખાસ તૈયાર કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સાત થી નવ દિવસની અહીં સઘન સારવાર બાદ હવે તેઓ તમામ કોરોનાને હરાવી ચુક્યા છે.
”આ વિપરીત પરિસ્થિતમાં પણ એકસાથે આ સંક્રમણ સામે લડીને તેને મહાત આપવી તે સૌથી મોટી બાબત છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સર સાથે કોવિડના દર્દીઓની ઉત્તમ સારવાર ચાલી રહી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે’, તેમ તબીબે ઉમર્યું હતું