‘અમરણ’માં પોતાના મોબાઈલ નંબરને દર્શાવાયો હોવાથી પરેશાન વિદ્યાર્થીએ ૧.૧ કરોડનું વળતર માગ્યું
અભિનેત્રી સાઈ પલ્લવી અને શિવા કાર્તિકેયનની ફિલ્મથી
ફિલ્મમાં પોતાના મોબાઈલ નંબરને દર્શાવાયો હોવાથી સાઈ સાથે વાત કરવા માગતા ચાહકોએ ફોન કરી જીવન દુષ્કર બનાવ્યું
મુંબઈ,સાઈ પલ્લવી અને શિવા કાર્તિકેયનની ફિલ્મ ‘અમરણ’ની સીધી ટક્કર ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ સાથે હોવા છતાં આ ફિલ્મે રૂ.૨૦૦ કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું છે. બોક્સઓફિસ પર સફળતા ઉપરાંત એક વિચિત્ર કારણોસર આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મમાં પોતાના મોબાઈલ નંબરને સાઈ પલ્લવીના મોબાઈલ નંબર તરીકે દર્શાવાયો હોવાથી ચેન્નાઈનો આ વિદ્યાર્થી પરેશાન થઈ ગયો છે. સાઈ સાથે વાત કરવા માગતા અનેક ચાહકો વારંવાર કોલ કરી રહ્યા હોવાથી જીવન દુષ્કર બન્યું હોવાનો દાવો કરી આ વિદ્યાર્થીએ રૂ.૧.૧ કરોડના વળતરની માગણી કરી છે.
ચેન્નાઈમાં રહેતા વીવી વાગીસન નામના એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ ‘અમરણ’ના પ્રોડ્યુસર્સને લીગલ નોટિસ મોકલાવી છે. ‘અમરણ’માં સાઈ અને શિવાકાર્તિકેયનનો એક રોમેન્ટિક સીન આવે છે. જેમાં સાઈ પલ્લવી પોતાનો મોબાઈલ નંબર લખેલા કાગળનો ટુકડો હીરો તરફ નાખી રહી છે. આ કાગળમાં લખેલો મોબાઈલ નંબર હકીકતમાં પોતાનો હોવાનો દાવો વાગીસને કર્યાે છે. આ મોબાઈલ નંબર સાથે પોતાનું આધારકાર્ડ, બેંક એકાઉન્ટ સહિત અનેક વસ્તુઓ લિન્ક થયેલી હોવાથી નંબર બદલવાનું અઘરું બન્યું છે.
૩૧ ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે વાગીસન પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી રહ્યો હતો. અચાનક તેના મોબાઈલ પર ઢગલો કોલ શરૂ થઈ ગયા અને આ બધા લોકો સાઈ પલ્લવી સાથે વાત કરવા માગતા હતા. આવા કોલની સંખ્યા સતત વધી રહી હતી. બાદમાં વાગીસનને ખબર પડી કે, સાઈ પલ્લવીના મોબાઈલ નંબર તરીકે તેના મોબાઈલ નંબરનો ઉપયોગ કરાયો છે. એક સીનના કારણે પોતાને અસહ્ય તકલીફો અને માનસિક ત્રાસ પડ્યો હોવાના કારણે ફિલ્મમાંથી આ નંબર દૂર કરવા વાગીસને માગણી કરી છે.
સતત કોલ આવી રહ્યા હોવાથી સુવાનું, અભ્યાસ કરવાનું કે રોજિંદી પ્રક્રિયાઓ કરવાનું અઘરું બની ગયું હોવનું વાગીસને કહ્યું છે. તેણે શરૂઆતમાં ડાયરેક્ટર રાજકુમાર પેરીસામી અને શિવાકાર્તિકેયનને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ સમસ્યા અંગે વાત કરી હતી. જો કે તેમના તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. આખરે વાગીસને લીગલ નોટિસ મોકલી છે. ss1