Western Times News

Gujarati News

અમરાઈવાડીઃ યુપીથી બિમાર પુત્રને મળવા આવેલા વૃધ્ધને માર મારી ત્રણ શખ્સોએ લૂંટી લીધા

(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: ઉતર પ્રદેશમાં રહેતા વૃધ્ધ બિમાર પુત્રને મળવા માટે અમદાવાદ ખાતે આવતા લૂંટનો ભોગ બન્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પુત્રના ઘર નજીક જ ત્રણ લૂંટારૂએ વૃધ્ધને લુટી લેવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રભંજયકુમાર મોર્ટા ઉત્તરપ્રદેશના જાનપુર ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો મોટો પુત્ર આર્યુભૂષણ મોર્ટા પોતાના પરિવાર સાથે અમરાઈવાડીની મંજીભીલની ચાલી પાસે નીતિનગર સોસાયટીમાં રહે છે. આર્યુભૂષણ ભાઈની તબિયત ખરાબ થતાં જાનપુર ખાતે રહેતા પિતા ચિંતીત થઈને તેમને મળવા આવ્યા હતા. ગઈકાલે રાત્રે બે વાગ્યે તે મણીનગર રેલ્વે સ્ટેશને ઉતર્યા બાદ ચાલતા ચાલતા અમરાઈવાડી તરફ ચાલવા લાગ્યા હતા.

અમરાઈવાડીમાં આવેલા યશ પાન પાર્લર નજીક પુત્રના ઘરથી થોડે જ દૂર પ્રભંજયભાઈ પહોંચ્યા ત્યારે રાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે એક રીક્ષાએ તેમનો પીછો કરી આગળ નીકળ્યા બાદ ફરી તેમની પાસે આવી હતી. અને રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સો અચાનક જ તેમની પાસે આવી ધક્કો મારીને નીચે પાડી દીધા બાદ ગડદાપાટુનો માર માર્રી ચપ્પુ બતાવીને તેમનો ફોન, રોકડ રકમ તથા દસ્તાવેજા સહિતનો સામાન ભરેલો થેલો લૂંટીને રીક્ષામાં રફૂચક્કર થઈ ગયા હતા.

તેમણે બુમાબુમ કરતા આસપાસના રહીશો પણ જાગી ગયા હતા. અને તેમના પુત્ર સહિતના લોકો દોડી આવ્યા હતા. બાદમાં વૃધ્ધ પ્રભંજયભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લૂંટારૂ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.