અમરાઈવાડીની ગેંગનો સફાયો કરવા પોલીસ ઉગામશે ગુજસીટોકનું ‘શસ્ત્ર’
(એજન્સી) અમદાવાદ, શહેરના અમરાઈવાડી, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં કેટલીક ગેંગોએ રીતસરનો આતંક મચાવી દીધો છે. જેને કંટ્રોલમાં કરવા માટે પોલીસ હવે કાયદાનું શસ્ત્ર ઉગામે તેવી શક્યતા છે. અમરાઈવાડી વિસ્તારમાં સૌથી વધારે ગેંગનો ઉદય થયો છે.જેણે ઠેરઠેર પોતાનો આતંક બતાવીને લોકોને હેરાન પરેશાન કરી દીધા છે.
આતંક મચાવતી ગેેંગનો સફાયો કરવા માટે પોલીસ આવનારા દિવસમાં ગુજસીટોકનું શસ્ત્ર ઉગામશે. અમરાઈવાડી વિસ્તારમાં કેટલાક ગુનેગારો પોતાની પાસે છરી તેમજ ઘાતક હથિયારો લઈને ફરે છે. જે ગમે ત્યારે હુમલો કરી દેતા હોય છે. પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને હથિયાર લઈને ફરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલી એક પ્રોપર્ટી પર કેટલીગ ગેંગના સભ્યોએ કબજાે કરવાની કોશિશ કરતાં વિવાદ સર્જાયો હતો. જેમાં પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવીને જેલના હવાલે કરી દીધા હતા. આવા અનેક કિસ્સા રોજબરોજ અમરાઈવાડી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં બની રહ્યા છે.
જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમરાઈવાડી, હાટકેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વો પોતાની અલગ અલગ ગેંગ બનાવીને રીતસરની ગુંડાગીરી કરી રહ્યા છે. જેમને રોકવા માટે પોલીસ હવે મેદાનમાં આવી ગઈ છે.
અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.વી.રાઠોડે જણાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જયારે કેટલાક લોકો વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર પણ ઉગામવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જુહાપુરામાં સુલતાન ગેંગ, કાલુ ગરદન ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુના દાખલ થયા બાદ બાપુનગર પોલીસે ગત વર્ષે એક ગેંગના પાંચ સભ્ય સામે ગુજસીટોકનો ગુનો નોંધીને તેમને જેલના હવાલે કરી દીધા હતા. પોલીસની આ કામગીરી બાદ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.
શહેરમાં આતંક મચાવી પોલીસના નાકે દમ લાવનાર સામે ગાળિયો કસાયો છે. હાટકેશ્વર, અમરાઈવાડી, ખોખરા જેવા વિસ્તારમાં ગુંડાગીરી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ગેંગ બનાવીને બેઠેલા ગુંડાઓ પર પોલીસ ગુજસીટોકનું બ્રહ્માસ્ત્ર ચલાવે તેવી શક્યતા છે.
પોલીસના નાકે દમ લાવનારા ગૌરાંગ ગેંગના સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલાયા ઃ પૂર્વ વિસ્તારમાં ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણની ગેંગની દાદાગીરી એટલી હદે વધી ગઈ હતી કે પોલીસના નાકે દમ આવી ગયો હતો. આ ગેંગના સભ્યોએ ૧૦થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે ગૌરવ સહિત પાંચેય આરોપી સામે ગાળિયો કસવા ગુજસીટોકનો ગુનો ગત વર્ષે નોંધ્યો હતો.
આરોપીઓ દસ વર્ષથી આ ગેંગ ચલાવતા હતા અને સાથે હથિયાર રાખી કોઈની પર હુમલો કરતાં સહેજ પણ ખચકાતા નહોતા. આ ગેંગના સભ્યોની વાત કરીએ તો તમામ લોકો હત્યા, હત્યાની કોશિશ, વ્યાજખોરી, મારામારી, ખંડણી, ધમકી, લુંટ, ધાડ, પ્રોહિબિશન અને આર્મ્સ એકટના ગુના આચરી ચુકયા છે. છેલ્લા ૧૦ વર્ષથી આ ગેંગ સક્રિય હતી જેનાથી પોલીસ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ગુજસીટોકના ગુના હેઠળ આ ગેંગના અનેક સભ્યો પણ આવી શકે છે.
અમરાઈવાડી, ભાઈપુરા, ખોખરા ગુનેગારોનો ગઢ કહેવાય છે ઃ શહેરના અમરાઈવાડી, ભાઈપુરા, ખોખરા, હાટકેશ્વર વિસ્તારને છેલ્લા ઘણા સમયથી ગુનેગારોનો ગઢ ગણવામાં આવે છે. અહી ચેઈન સ્નેચિંગ, ચોરી, લૂંટ, હત્યા, હત્યાની કોશિશ, દારૂનો ધંધો સહિતના ગુનાઓને અંજામ આપતા નાના મોટા ગુનેગારો રહે છે. આ ગુનેગારો પાસે તલવાર, છરી, પિસ્તોલ સહિતના ઘાતકી હથિયારો પણ હોય છે.
જેનો સમય આવતા ઉપયોગ કરે છે. આ સિવાય છરી અને ચપ્પા લઈને મોટાભાગના ગુનેગારો વિસ્તારમાં ફરતા હોય છે. ગુનાખોરીથી પંકાયેલા આ વિસ્તારોને ગુનેગારોનો ગઢ પણ કહેવામાં આવે છે.