અમરાઈવાડીમાં કિશોરીની છેડતી બાદ પિતાને ફટકાર્યા
પોલીસે છેડતી અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
(એજન્સ) અમદાવાદ 03062019: અમરાઈવાડીમાં ગઈમોડી રાત્રે માતા-દિકરી બહાર ટેહલવા નીકળ્યા ત્યારે એક યુવકે સગીર દિકરીની છેડતી કરી હતી. જેથી પિતાને જાણ થતાં પિતા ત્યાં આવી પહોંચ્યા હતા. જા કે પિતા આવ્યા બાદ યુવકે વધુ ગુસ્સે ભરાયો હતો અને તેમને મારી નીચે પાડી દઈ પલાયન થઈ ગયો હતો. આ મામલે અમરાઈવડી પોલીસે મથકમાં ફરીયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે ૧૮ વર્ષથી નાની (સગીર) કિશોરીની છેડતી હોય તો પોક્સો એક્ટ લગાવવા સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન અને આદેશ છે છતાં આ કિસ્સામાં પોલીસે પોક્સોની કલમ ન લગાવતા શંકા જન્મી છે.
અમરાઈવાડીમાં રહેતા નેહાબેન (ઓળખ છુપાવવા માટે નામ બદલલ્યુ છે) ગઈરાત્રે ૧૭ વર્ષની દિકરી રેખાને લઈને બહાર ચાલવા નીકળ્યા હતા. તેઓ બંધ દુકાન નજીક બેઠા હતા ત્યાં રાહુ બિજેન્દ્રસિંગ તોમર આવ્યો હતો. તેણે રેખાને જણાવ્યુ હતુ કે કેમ તું અહીંયા બેઠી છે. ત્યારબાદ રેખાનો હાથ પકડીને તે બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. અને છેડતી કરી રહ્યો હતો. નેહાબેને બુમાબુમ કરતા લોકો અને પતિ ત્યાં આવી ગયા હતા. નેહાબેનના પતિએ કેમ છોકરીને હેરાન કરે છે? તેમ કહેતા રાહુલ ઉશ્કેરાયો હતો. અને લાફો મારી તેમને નીચે પાડી દીધા હતા. આ મામલે હો હા થઈ જતાં મોટું ટોળું એકત્ર થઈ ગયુ હતુ. જેથી તકનો લાભ લઈ રાહુલ પલાયન થઈ ગયો હતો. આ મામલે જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને નેહાબેનની ફરીયાદ લઈ આરોપીની શોધખોળ શરૂ કરી છે.