અમરાઈવાડીમાં દારૂડીયા પતિ અને સાસુથી કંટાળીને પરિણીતાનો આપઘાત
(એજન્સી) અમદાવાદ, પ્રમેલગ્ન બાદ પતિ દારૂ પીને પત્નીને ફટકારતો હોવાથી પત્ની આ અંગે સાસુને રજુઆત કરતી ત્યારે તેઓ પણ દિકરાનું ઉપરાણું લઈને તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને મહિલાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પિતાએ જમાઈ અને સાસુ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમરાઈવાડીમાં રહેતા ગણપતભાઈ બીરાજી વણઝારાની દિકરી જ્યોતિએ રપમી જુલાઈ ર૦૧૩ના રોજ તેના જ સમાજમાં નંદકિશોર વણઝારા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પરિવારને લગ્ન મંજુર નહોતા. ત્યારબાદ સમાજના લોકો એકત્ર થઈ સમાધાન કરાવતા બંન્ને પરિવારે ફરી ફૂલહાર કરી લગ્ન કરાવી આપ્યા હતા. આ દરમ્યાનમાં વર્ષ ર૦૧પમાં જ્યોતિએ દિકરીને જન્મ આપ્યો હતો. જા કે સાસરીમાં પતિ નંદકિશોર અને સાસુ ગીતાબેન વણઝારા નાની નાની વાતો એ તકરાર કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
જ્યારે જ્યારે જ્યોતિ પિયર આવતી હતી ત્યારે જણાવતી હતી કે સાસુ ઘરના કામકાજને લઈને ત્રાસ આપે છે અને પિયર જતી રહેવા જણાવતી હતી. ત્યારે પતિ પણ માતાનો પક્ષ લઈને મારી મા કહે તે જ પ્રમાણે કરવુ પડશે. જા ના રહેવું હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે. તારા બાપના ઘરે જતી રહે એમ જણાવીને માનસિક ત્રાસ આપતા હતા. પતિને દારૂ પીવાની લત લાગી જતા તે રાત્રે દારૂ પીને મારમીટ પણ કરવા લાગ્યો હતો.
જા કે ઘર સંસાર ન બગડે તે માટે જયોતિ સહન કરી ત્યાં જ રહેતી હતી. અને પિયરીયા પણ તેને ત્યાં જ રહેવાની સલાહ આપતા હતા. જા કે વર્ષ ર૦૧૮માં પતિ-સાસુના ત્રાસે જ્યોતિ તેની દિકરીને લઈને પિયર જતી રહી હતી. ત્યારબાદ વર્ષ ર૦૧૯માં સમાજના માણસો ભેગા થતાં નંદકિશોરે સુધરી જવાની બાંહેધરી આપતા જ્યોતિ પરત ફરી હતી.
આ અંગે નોટરી સમક્ષ રૂબરૂ લખાણ પણ કરી આપ્યુ હતુ. જા કે ત્યારબાદ પતિએ ફરી દારૂ પીવાનું શરૂ કરી દીધુ હતુ. અને નાની નાની વાતે મારઝુડ કરવા લાગ્યો હતો. અને સાસુ પણ દિકરાનું ઉપરાણું લઈને જ્યોતિને ત્રાસ આપતી હતી. જેથી કંટાળીને જ્યોતિએ ગઈકાલે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ગણપતભાઈ વણઝારાએ જમાઈ નંદકિશોર અને સાસુ ગીતાબેન વણઝારા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.