અમરાઈવાડીમાં બે શખ્સો ચપ્પુ લઈ યુવાન પર તૂટી પડ્યા
નજીવી બાબતને લઈને લોહિયાળ તકરારઃ ફરાર હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યુ છે. સામાન્ય નાગરીકો પણ ક્ષુલ્લક બાબતોમાં હાથમાં હથિયાર ઉઠાવતા હવે ડરતા નથી. સ્થાનિક વિસ્તારમાં પણ ગુંડાઓથી લઈને નાગરીકો એકબીજા ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન સતત કરતાં રહે છે. અને નાના ઝઘડાઓમાં પણ એકબીજાને દબાવવા માટે તલવાર, છરીઓ જેવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
લગભગ રોજેરોજ આવી ઘટનાઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના ચોપડે નોંધાઈ રહીછ ે. આવી ઘટનાઓમાં ક્યારેક બે જણાને છોડાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિ ભોગ બની જતી હોય છે. આવી જ એક ઘટના અમરાઈવાડી પોલીસની હદમાં બની છે. જેમાં બે જણાને સમજાવવા વચ્ચે પડેલા એક વ્યક્તિ ને બે શખ્સોએ પેટમાં ચપ્પાના ઘા મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે દિનેશભાઈ ધનજીભાઈ વાઘેલા અમરાઈવાડી ટોરેન્ટ પાવરની પાછળ આવેલા સ્લમ ક્વાર્ટસમાં રહે છે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈના ઘરના ઉપરના માળે તેમના સગા રમિલાબેન રહે છે. જેમને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે રમીલાબેનનો દિકરો જીજ્ઞેશ પરિવાર સાથે ઝઘડો કરતો હતો.
સગા હોવાના કારણે દિનેશભાઈ તેમના ઘરે સમજાવવા ગયા હતા. જ્યારં તેમના જ બ્લોકમાં રહેતો પિયુષ ઉર્ફે અછોટી પ્રેમજીભાઈ તથા ભાઈપુરા ખોખરામાં રહેતો પ્રમુખ મદ્રાસી પોતાના દિકરાને દારૂ પીવડાવી ઉંધા રવાડે ચડાવી દીધો હોવાનં રમીલાબેને કહ્યુ હતુ.
બાદમાં રમીલા બેને પિયુષને સમજાવવા માટ દિનેશભાઈને જણાવતા દિનેશભાઈ પિયુષને મળ્યા હતા. અને જીજ્ઞેશને તેની સાથે જ ફેરવવા કહ્યુ હતુ. જેથી પિયુષ અને પ્રભુ બંન્ને ઉશ્કેરાઈ ગયા હતા. ઉપરાંત દિનેશભાઈ સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારીને તે કંઈ સમજે એ પહેલાં જ પિયુષે પોતાની પાસે છુપાવી રાખેલું ચપ્પુ કાઢ્યુ હતુ.
દિનેશભાઈના પેટમાં મારી દીધું હતુ. ઉપરાછાપરી ચપ્પાના ઘા વાગતા દિનેશભાઈબુમાબુમ કરીને લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. જેથી ક્વાર્ટર્સના રહીશો એકઠા થવા લાગતા પિયુષ અને પ્રમુખ ત્યાંથી ભાગી છુટ્યા હતા.
ઘાયલ દિનેશભાઈને રહીશોએ હોસ્પીટલમાં સારવારાર્થે ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમની સારવાર કરી રહ્યા છે. ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસ પણ સક્રિય થઈ હતી અને દિનેશભાઈની ફરીયાદ લઈને બંન્ને ફરાર હુમલાખોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.