અમરાઈવાડીમાં મહિલાનું ગળું દબાવી હત્યાઃ આરોપી પકડાયો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. ખાસ કરીને લોકડાઉન બાદ ઘરેલું કંકાસ પણ વધ્યા છે. નાની નાની વાતોમાં લોકો એકબીજા પર ઉશ્કેરાઈને જીવલેણ હુમલા કરવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. આ પરિસ્થિતિમાં શહેરમાં ગુનાઓના હબ ગણાતા અમરાઈવાડીમાંથી એક મહિલાની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લીવ ઈનમાં રહેતી મહિલાની બહેન તેને મળવા ઘરે આવી ત્યારે તેને ઝઘડો થતાં મહિલાની સાથે રહેતા પુરૂષે તેનું ગળું દબાવીને મારી નાંખી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમરાઈવાડી પોલીસની હદમાં આવતા ખોખરા ગામમાં જ્યોતિબેન ઉર્ફેે નેહાબેન ભરતભાઈ નામની મહિલા ગીરીશ કાંતિભાઈ પરમાર નામના પુરૂષ સાથે છેલ્લા ઘણા સમયથી લીવ ઈન રીલેશનમાં રહેતી હતી. દરમ્યાનમાં રવિવારના દિવસે જ્યોતિબેનના બહેન રંજનબેન તેમને મળવા તેમના ઘરે આવ્યા હતા. એ વખતે વાતો કરતા કરતા રંજનબેન અને ગીરીશભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા ઉશ્કેરાયેલા ગીરીશભાઈએ રંજનબેન ઉપર જીવલેણ હુમલો કરી તેમનું ગળું દબાવી દીધું હતુ. રંજનબેને બુમાબુમ કરી મુકી હતી. પરંતુ ગીરીશભાઈએ તેમની ભીંસ વધારતા રંજનબેનનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. અને એ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ઘરોમાં દેકારો મચી જવા પામ્યો હતો. જેના પગલે કોઈએ અમરાઈવાડી પોલીસને જાણ કરતા તે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અને રંજનેબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ જ્યોતિબેનની ફરીયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને તેમણે ગીરીશ પરમારને પણ ઝડપી લીધો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.