અમરાઈવાડીમાં રીક્ષાચાલકે સાગરીતો સાથે મળી વેપારી સાથે લૂંટ કરતા ચકચાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓઢવ ખાતે રહેતા વેપારી રીક્ષામાં બેસી જઈ રહ્યા હતા ત્યારે અવાવરૂ સ્થળ આવતા જ રીક્ષાચાલક અને તેનો સાગરીતોએ તેમને ચપ્પુ બતાવી લૂંટ કરી ચાલુ રીક્ષામાંથી ધક્કો મારી દેવાની ઘટના બહાર આવી છે.
નિયાઝ મહમ્મદ પઠાણ (બિરજુનગર, ઓ્ઢવ) કપડાને કલર કરવાનો ધંધો કરે છે. બે દિવસ પહેલાં પોતાની ઉઘરાણીના રૂપિયા ૪૯ હજાર લઈને કાગડાપીઠ સફલ-૧ ખાતેથી નીકળ્યા હતા. ત્યાંથી તેમના કારીગર સાથે નિયાઝભાઈએ રીક્ષા પકડતા ચાલકે ન્યુ કોટન ચાર રસ્તા નજીક આવેલા એક અંધારીયા ખુણામાં રીક્ષા રોકતા તેમના સાગરીતે નિયાઝભાઈનું ગળુ દબાવી ચપ્પુ ધરી દીધું હતુ. અને અન્ય શખ્સે તેમના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા હતા. બાદમાં ચપ્પુ બતાવીને બેસાડી રાખ્યા હતા અને રીક્ષા નાગરવેલ હનુમાન રોડ તરફ ભગાવી દીધી હતી.
જ્યાં ભીડ દેખાતા નિયાઝભાઈએ બુમાબુમ કરી મુકતા રીક્ષાચાલક સહિતના લુંટારૂઓએે તેમને તથા કારીગરને ચાલુ રીક્ષાએ ધક્કો મારતી દેતાં તે ઈજાગ્રસ્ત બન્યા હતા. લૂંટની ફરીયાદ મળતા અમરાઈવાડી પોલીસે ફરાર લૂંટારૂઓએ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીક્ષાચાલકો દ્વારા શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાંથી એકલ દોકલ મુસાફરોને શિકાર કરવામાં આવે છે અને તેમને રીક્ષામાં બેસાડી અવાવરૂ સ્થળ આવતાં જ મારામારી કરી લૂંટી લેવાની ઘટના બહાર આવવા છતાં પોલિસ દ્વારા હજુ સુધી કોઈ ખાસ કામગીરી થઈ હોય તેમ લાગતું નથી.