Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં વ્યાજખોરોનો આતંક

Files Photo

અમદાવાદ: શહેરમાં બે દિવસ અગાઉ જ પ્રહલાદનગર વિસ્તારમાં વ્યાજનાં ચક્કરમાં ફસાઈ ગયેલાં એક વેપારીએ વ્યાજખોરનું દબાણ અને ધમકીઓ સહન ન થતાં ફ્લેટનાં ધાબેથી કુદીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે ચકચાર મચી હતી. આ કેસનો આરોપી વ્યાજખોર ઓમ પંજાબ હજુ પોલીસની પકડથી દૂર છે.

ત્યારે ગણતરીના જ કલાકોમાં અમરાઈવાડી વિસ્તારમાં પણ મુદ્દલ કરતાં વધુ રકમ ઉસેડી લેવા છતાં વધુ નાણાં પડાવવા વ્યાજખોરે ચાકુની અણીએ વેપારીના સાળાનાં ચેક અને પ્રોમીસરી નોટ લઈ લેતા પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઈ છે. અમરાઈવાડી પોલીસે વ્યાજખોર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ભાર્ગવભાઈ ઊર્ફે મોન્ટુભાઈ વાસુદેવભાઈ પટેલ, રામોલ વસ્ત્રાલમાં આવેલી અવધ રેસીડેન્સી ખાતે રહે છે અને વટવા જીઆઈડીસીમાં પોતાની મશીનનાં પાર્ટસની ફેક્ટરી ધરાવે છે. વર્ષ ૨૦૧૯માં તેમને ધંધામાં રૂપિયાની જરૂર પડતાં તેમનાં સાળા વિશાલ ઊર્ફે બોની ભરતભાઈ પટેલને વાત કરી હતી. જેણે ઈશ્વરભાઈ જગાભાઈ ભરવાડ (રહે.સત્યમનગર સોસાયટી, અમરાઈવાડી) પાસેથી તેમને રૂપિયા દોઢ લાખ ૧૦ ટકાનાં વ્યાજે અપાવ્યા હતાં.

સપ્ટેમ્બર, ૨૦૧૯માં રૂપિયા લીધા બાદ ભાર્ગવભાઈએ ઈશ્વરભાઈને વખતસર વ્યાજ ચૂકવ્યું હતું. ઊપરાંત ૭૫ હજાર તથા ૫૦ હજાર રૂપિયા પણ ચૂકવ્યા હતા. ધંધામાં મંદી આવતા જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં વ્યાજ ચૂકવી ન શકતાં માર્ચમાં વ્યાજ, પેનલ્ટી ઉપરાંત એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં નાણાં લોભી ઈશ્વર ભરવાડે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભાર્ગવભાઈને ફોન કરીને હિસાબનાં રૂપિયા ૧૬ લાખ નીકળતાં હોવાની વાત કરતાં તે ચોંકી ગયા હતાં અને દોઢ લાખ સામે સવા બે લાખ રૂપિયા આટલા હોવાનું કહ્યું હતું.

જાે કે વ્યાજખોર ઈશ્વર ભરવાડ તેમને ફોન કરી પરેશાન કરતો હતો. અને તેમને રબારી કોલોની બોલાવ્યા હતા. જ્યાં ભાર્ગવભાઈ, સાળા વિશાલભાઈ તથા મિત્ર સાથે પહોંચ્યા હતાં. ત્યારે ઈશ્વર ભરવાડે કંઈ પણ કરી રૂપિયા આપવા પડશે. અને તેમ કહીને ગાડીમાં બેસાડી ચાકુ બતાવીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ડરાવીને ભાર્ગવભાઈ પાસેથી બે કોરા ચેક તથા વિશાલભાઈ પાસે પ્રોમીસરી નોટમાં સહીઓ કરાવી લઈ લીધા હતા. બળજબરીપૂર્વક તેમની સહીઓ લીધા બાદ બીજા દિવસે ફોન કરીને ફરી રૂપિયાની માંગણી કરી હતી અને જાે રૂપિયા ન આપે તો ફાર્મ હાઊસ ઉપર લઈ જઈને હાથપગ તોડી નાંખવાની ધમકીઓ આપતાં ભાર્ગવભાઈએ પોલીસને જાણ કરી હતી. ફરીયાદ મળતાં જ અમરાઈવાડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.