અમરાઈવાડીમાં સગી બહેને વ્યાજખોર ભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમરાઈવાડીમાં વ્યાજખોર ભાઈએ સગા બેન-બનેવીને ધમકાવીને વ્યાજના નાણાં ન ચુકવે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. ફરીયાદી રેખાસીંગ અશોકસીંગ રાજપૂત (૪ર) શિવરામનગર ખાતે રહે છે તેમણે પોલીસને જણાવ્યુ હતું કે બે વર્ષ અગાઉ પતિએ ધંધા માટે એક લાખ રૂપિયા રેખાબેનના સગા ભાઈ અનિલસીંગ રાજપૂત (લાલ બંગલા, હાટકેશ્વર) પાસેથી લીધા હતા જેનું તે રોજનું રૂ.૩ હજાર વ્યાજ ચુકવતા હતા બે વર્ષથી રોજે રોજ ત્રણ હજારની રકમ ચૂકવવા માટે રેખાબેને તેમના ઘરેણાં પણ વેચી માર્યા હતા કેટલાક દિવસોથી અશોકભાઈનો ધંધો ન ચાલતા તેમણે વ્યાજ આપ્યુ ન હતું.
જેને પગલે અનિલસિંગ તેમના ઘરે આવીને અવારનવાર ધમકીઓ આપતો હતો અને તેમના કોરા ચેક તથા દસ્તાવેજા પણ લઈ લીધા હતા અવારનવાર ગાળો બોલી ચાકુથી મારી નાખવાની ધમકી આપતાં અશોકસિંગને લાગી આવ્યું હતુ અને બે દિવસ પહેલા તે ક્યાંક ચાલ્યા ગયા હતા. જેથી ઘણી શોધખોળ છતાં અશોકસિંગ મળી ન આવતા સગી બહેને વ્યાજખોર ભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.