અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઈકોસીસના ઈન્જેકશનો સાથે એક શખ્શને ઝડપ્યો
૪ર માંથી રર ઈન્જેકશન ઉપયોગમાં લેવા છતાં દર્દીની તબીયત વધુ લથડી
(પ્રતિનિધિ) અમદાવાદ,પોસ્ટ કોવીડ રોગ મ્યુકરમાઈકોસીસના કારણે કેટલાય નાગરીકો મૃત્યુ પામ્યા છે જયારે કેટલાય દર્દીઓએ આંખ કે તાળવા જેવા શરીરના અંગો કઢાવી નાખવા પડ્યા છે. રાજય સરકારે પણ આને ગંભીર રોગ જાહેર કર્યા બાદ મેડીકલ માફીયાઓ આ રોગની સારવારમાં વપરાતા ઈન્જેકશનોની કાળાબજારી કરી રહયા છે. અથવા તો નકલી ઈન્જેકશનો દર્દીના સગાઓને પકડાવી રહયા છે. આ સ્થિતિમાં અમરાઈવાડી પોલીસને ફરીયાદ મળતાં નકલી ઈન્જેકશનોનો વેપાર કરતા એકને ઝડપી લીધો છે.
આ ઘટનાના ફરીયાદી નિકેતસિંહ પરમારના મિત્રના સંબંધીને બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસીસ)નો રોગ થતાં રાજકોટની હોસ્પીટલમાં સારવાર લઈ રહયા છે જેમને આ રોગની સારવારમાં વપરાતી દવાના ઈન્જેકશનોની જરૂર પડતાં તેમણે સુરેન્દ્રનગરના વીસવડી ગામના હિતેષ મકવાણા (ર૪)નો સંપર્ક કર્યો હતો. જેણે અમરાઈવાડી જાેગેશ્વરી રોડ ખાતે આવીને આઠ લાખ રૂપિયા કુલ ૪ર ઈન્જેકશનો નિકેતસિંહને આપ્યા હતા.
પરંતુ તેમાંથી રર ઈન્જેકશનોનો ઉપયોગ કરતા દર્દીની સ્થિતિ સુધરવાને બદલે બગડવા લાગતા નિકેતસિંહે અમરાઈવાડી પોલીસને જાણ કરી હતી પોલીસે બચેલા વીસ ઈન્જેકશન ડ્રગ ઈન્સ્પેકટરને પરીક્ષણ માટે મોકલ્યા હતા. બીજી તરફ ઈન્જેકશન આપનાર હિતેશ મકવાણાને ઝડપી લઈ પુછપરછ કરતાં તેણે તેના મિત્ર નિતિન ઉર્ફે રાહુલ રાજસ્થાની પાસેથી મેળવ્યા હોવાનું કબુલ્યુ હતું પોલીસે બંનેની વિરુધ્ધ ગુનો નોંધી નિતિન ઉર્ફે રાહુલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.