અમરેલીમાં કાકા-ભત્રીજાની હત્યાઃ 5 આરોપી પકડાયા
અમરેલી : અમરેલીમાં ગત રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં ૨૭ વર્ષના યુવાન અને તેના ૩૦ વર્ષના કૌટુંબીક કાકાને ભરવાડ સમાજના લોકોએ જ છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યા હતા. અમરેલી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા રખડતી ગાયો પકડવાની ઝુંબેશ શરૂ થઇ હોય તેમાં પાલિકાની ગાડી યુવાન પણ સામેલ થયો હતો. કોઇની માલિકીની ગાયો ન પકડાઇ જાય અને રખડતી ગાયો જ પકડવામાં આવે તેની ખાત્રી માટે તંત્રએ આ યુવાનને સાથે રાખ્યો હતો.
પરંતુ ભરવાડ સમાજના વ્હોટ્સએપ ગ્રુપમાં આ યુવાનને ઉદ્દેશીને એક ભરવાડ વ્યક્તિએ તમે ભરવાડની ગાયો જ પકડાવો છો કહી ગાળો ભાંડતો ઓડિયો મેસેજ મોકલતાં તેણે પોલીસ અને પાલિકાના સ્ટાફને આ વોઇસ ક્લીપ સંભળાવતાં મેસેજ મોકલનારને પોલીસ તરફથી ઠપકો અપાયો હતો. આ બાબતનો ખાર રાખી રાતે હુમલો કરાયો હતો. જેમાં યુવાન અને તેના કૌટુંબિક કાકાની હત્યા કરી નંખાઇ હતી. જોકે પોલિસની ત્વરીત કામગીરીથી 5 આરોપીઓ પકડાઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીના જીવાપરામાં સોમનાથ મંદિર પાસે રહેતાં કિરણભાઇ ઉર્ફે કરસનભાઇ નનુભાઇ મકવાણા પર રાત્રીના સાડા નવેક વાગ્યે તેના ઘર પાસે હતો ત્યારે ગામના જ રામકુ રાતડીયા, ગુલા ભરવાડ, સગરામ ભરવાડ, ગોપાલ ભરવાડ તથા બીજા અજાણ્યા ૧૫ શખ્સોના ટોળાએ અચાનક આવી હુમલો કરી ગડદાપાટુનો માર મારી છરી ઝીંકી દેતાં છાતીમાં જમણી બાજુએ ગંભીર ઇજા થઇ હતી.
આ વખતે કિરણભાઇને બચાવવા તેના કૌટુંબીક કાકા ગોવિંદભાઇ રામભાઇ મકવાણા દોડી આવતાં તેમને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. અચાનક હુમલાને પગલે દેકારો મચી જતાં મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કાકા-ભત્રીજાને લોહીલુહાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ કાકા ગોવિંદભાઇએ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજા કિરણભાઇને મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ અહીં તેણે પણ દમ તોડી દેતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. કિરણભાઇ પશુપાલન-દૂધનો ધંધો કરતો હતો. જ્યારે હત્યાનો ભોગ બનેલા કિરણભાઇના કૌટુંબીક કાકા ગોપાલભાઇ માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે, જેમાં એક ૮ વર્ષનો અને બીજો ૧૦ વર્ષનો છે. આમ, કાકા-ભત્રીજાની હત્યાને લઇ સમગ્ર પંથકમાં ચકચારની સાથે સાથે ભારે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. જો કે પોલીસની સઘન કામગીરીથી 5 આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાયે ઘટના સ્થળની તપાસ કરી તુરંત આદેશ આપતાં પોલીસની ત્વરીત કામગીરીથી પાંચેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા.