Western Times News

Gujarati News

અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ

રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદનું આગમન થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં પણ મનભરીને મેઘરાજા વરસતાં સ્થાનિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. જુનાગઢના માંગરોળમાં તો પહેલા જ દિવસે ધડબડાટી બોલાવતાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.

લાલબાગ વિસ્તારમાં દિવાલ ધસી પડતાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. માણાવદમાં અઢીં ઈંચ તો વંથલીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં બુધવારે સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો હતો. ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

રાજકોટના મેટોડામાં વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘોઘા અને ગારીયાધારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ધારી ગીર વિસ્તારની નદીઓમાં તો ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે ધારી, સાવરકુંડલા, ખાંભા અને રાજુલામાં પણ મેઘમહેર થઈ હતી.

ગીર જિલ્લાના વેરાવળમાં પોણો ઈંચ, તાલાલા ગીરમાં ૨.૧૨ ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે માંગરોળમાં સીઝનનો પહેલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું અને ૪.૩ ઈંચ ખાબક્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

જૂનાગઢના માણાવદર શહેર અને પંથકમાં સવારથી મેઘરાજા મન મૂકીને વરસતા ચાર કલારમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી પાણી થઈ ગયું હતું.

ભાવનગર શહેર અને જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જિલ્લાના ઉમરાળામાં ૧.૫ ઈંચ, ભાવનગર શહેરમાં પોણો ઈંચ, તળાજા અને વલ્લભીપુરાં ૦.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.

બુધવારે ધારી, સાવરકુંડલા, ખાંભા અને રાજુલામાં વરસાદ પડ્યો હતો. ધારીના જીરા ડાભાળીમાં ધોધમાર વરસાદ વરસતા વોકળામાં બે ભેંસ તણાતા બચી હતી. ઉના તાલુકામાં એક કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણો ૧થી ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સોમનાથ અને વેરાવળમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલાલા ગીરમાં સવારથી સાંજ સુધીમાં ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં દિવસભરના ભારે બફારા અને ઉકળાટ બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.