અમારા એક મિત્ર અમારા એટલા બધાં વખાણ કરે, પણ અમારી ગેરહાજરીમાં આગ લાગે એવી ભાષા વાપરે
નહીં રે ઓળખ્યાઃ મિત્રોને ! ‘ખાનારા બહુ મિત્ર છે, તાલી મિત્ર અનેક; જે દીઠે છાતી ઠરે, તે લાખોમાં એક.’
રાંડ્યા પછીનું ડહાપણ, આમ તો ઢળી ગયેલા દૂધના રુદન જેવું હોય છે, પણ તે પોતાને માટે. બીજાને તેનાથી લાભ થાય અને બોધપાઠ મળે એવા પવિત્ર આશયથી અમે વિલાપ કરીએ છીએ કે, ‘નહીં રે ઓળખ્યા: મિત્રોને.’
કૃષ્ણ – સુદામાની મૈત્રી ભારતીય જીવો માટે તો આદર્શ. છતાંય ન માગ્યું ત્યાં સુધી ફૂટી બદામ પણ ના આપી અને આપ્યું એટલી છૂપી રીતે કે બિચારો સુદામો મળ્યાનો આનંદ પણ ન ભોગવી શક્યો. આવા એક અવળચંડા મિત્ર અમને પણ ભેટી ગયેલા.
સામાન્ય રીતે ગુરુઓ આજના જમાનામાં પણ ત્યાગનો મહિમા ગાતા હોય છે અને કદાચ એમને પાઠ ભણાવવા માટે જ ઘણી શિક્ષણસંસ્થાઓએ હમણાં હમણાં મહિનાઓ સુધી પગારો નહીં આપીને એમની કસોટી કરવા માંડી છે. અમે પણ આ આપત્તિમાં અપવાદ નથી. લીલા ઝાડમાં માળાઓ બાંધતા પક્ષીઓની જેમ અમારી સુખી દશામાં મિત્રવૃંદનો સુમાર ન હતો. બદલાયેલી પરિસ્થિતિમાં સૂકા ઝાડ પર કોઈ ફરકે નહીં, તેમ મિત્રોના દર્શન દુર્લભ થયાં.
અમે સંકટ સમયની સાંકળ ગણીને એક અત્યંત શ્રદ્ધેય મિત્રનો દરવાજો ખખડાવ્યો. શો આવકાર ? શબ્દોમાં નીતરતો પ્રેમ અને આનંદની હિલચાલ જોઈને અમે તરબોળ થઈ ગયા. ક્ષોભ અને શંકાનાં વાદળો દૂર થતાં મારી જીભે સરસ્વતી વસી. ત્યાં તો ‘ચા, કોફી શું લેશો ? ઘણા દિવસે આવ્યા, જમીને જાવ’ વગેરે પ્રશ્નો અને આગ્રહોમાં અમારું મૌન તૂટ્યું નહીં.
ફરી હિંમત કરી ગાડી પાટે ચઢાવવા કાર્યસિદ્ધિના આશયથી અમે હોઠ ખોલવા જતા હતા, ત્યાં તો જનતા સરકારની સિદ્ધિઓ, ભુટ્ટોને ફાંસી, કટોકટીના કાળા દિવસો, લોકસભાનું વિસર્જન વગેરે મરીમસાલાવાળી વાતોથી અમારાં મોં-કાન ભરી દીધાં. કાપડની જાતો, સજાવટની તરકીબો, મોંઘવારીની વિષમતા વગેરે અનેક કૂટપ્રશ્નો વગેરે ઉપર એ મિત્રે જ્ઞાનનો બોધ ઠાલવ્યા જ કર્યો અને અમે હતોત્સાહ બની ગયા.
ઘડિયાળનું ટકટક ચાલુ જ હતું. ઘેર પત્ની અને બાળકો આ સુદામાની પાછા આવવાની રાહ જોતાં હશે, એ વિચારથી અમે ઉઠવાનું નકકી કર્યું. તો ‘શી ઉતાવળ છે ?’ ‘ઘણા દિવસે આવ્યા છો.’ ‘પછી કોણ જાણે ક્યારે આવશો’, ‘ફુરસદ જ ક્યાં મળે છે.’ એવા ઘણા આગ્રહો છતાં મેં દરવાજા તરફ પગ ચલાવ્યા, એટલે એમણે અંદરના રૂમ તરફ ગતિ કરી.
બે મિનિટ અમે થાંભલાની જેમ ઉભા રહ્યા, એટલે મિત્ર ‘આવજો’ કહેવા બહાર નીકળ્યા. અમે પણ કુશળતા વાપરી, ‘સુરેશભાઈ, હું એમ કે’તો તો’… એવું કહીને શ્રીગણેશ માંડ્યા. એટલે અમારા મિત્રનાં આંખ અને કાન સરવાં થઈ ગયાં અને અમે ગબડાવ્યું ઃ ‘હું જરા કામે આવેલો.’ ‘અરે યાર ! તો અત્યાર સુધી બોલતા શું નથી ? આવો.’ ‘ના, પણ જુઓને’ અમે ધીમે અવાજે કહ્યું ઃ ‘એ તો જરા થોડી રકમની જરૂર હતી અને હમણાં પગાર બંધ છે.’
‘હા.. ઓ… હા… એમ!’ તરત જ સામો જવાબ આવ્યો ઃ ‘આ લોકો સમજે છે શું ? વૈતરું કરાવવું અને પૈસા ન આપવા એ તો કેમ ચાલે ? ઘણા દિવસથી હું છાપામાં વાંચું છું, તમારે કંઈક કરવું જોઈએ. તમારે તો સ્થિર, બેઠી અને નિશ્ચિક આવક. જયારે અમારે વેપારીઓને તો આજે ઘીકેળાં, કાલે ફક્કંફક્કા ! હું તો તમારે ત્યાં ક્યારનો આવ્યો હતો, પણ કારખાનાના માલનો હમણાં ભરાવો થઈ ગયો છે. બેન્કોએ ઓવરડ્રાફટ બંધ કર્યા છે અને સગાંવહાલાં, તેમ જ તમારા જેવા મિત્રોને આપેલા પૈસા પાછા માગી શકાતા નથી.
આપણે શરમવાળા રહ્યા, નાગા થોડા થવાય છે ? તમારી વાત સાંભળી મને ખુબ દુઃખ થાય છે. અત્યારે તો હું કશું કરી શકતો નથી, પણ તમે શ્રદ્ધા રાખજો કે આ સુરેશચંદ્ર હાથમાં પૈસા આવશે કે તરત જ પગરખાં પહેરવાની રાહ જોયા સિવાય તમને પહોંચાડી દેશે. પૈસા તો, હાથનો મેલ છે. તમારા જેવા મિત્ર આગળ પૈસાનો હિસાબ શો ?’
વાણીનો આ ધોધ મને ડુબાડતો ગયો. મેં ડગલાં આગળ ભર્યાં, ત્યાં ઉમળકાભેર ‘આવજો’, ‘હવે જરૂર આવજો, કામ હોય તો કહેવડાવજો.’ ‘અડધી રાતે કામમાં ન આવીએ તો મિત્ર શાના ? ત્યાર પછીનું શું બોલાયું હશે એ મેં સાભળ્યું નહીં હોવાથી કહી શકતો નથી. પણ હું એટલું બબડ્યો કે, ‘શું મિત્રો હોય છે ! શી બનાવટ ? શી સફાઈ ? હું જ મૂર્ખ રહ્યો કે આ મિત્રનું અસલી સ્વરૂપ અને નકલી સ્વરૂપ ઓળખી ન શક્યો.
આ સંસારમાં સામાન્ય માનવીથી અદના માનવી સુધીના સૌ કોઈના અનુભવો છે કે સરખેસરખા વચ્ચે મૈત્રી થાય. પણ અમારો એ ભ્રમ ભાંગી ગયો. ‘આપણે સારા તો દુનિયા સારી.’ બોલવામાં મીઠું લાગે છે, પણ અનુભવમાં કડવું વખ બને.
આજ દિવસ સુધી અમે નેક મિત્રોને અનેક પ્રકારની યથાશક્તિ- મતિ મદદ કરેલી છે અને અમારી એ ઢીલાશને લીધે કહેવાતા મિત્રોનાં ટોળાં લોકોને ઈર્ષ્યા આવે એટલાં અમારી પાસે છે. અમે માનતા હતા કે મિત્રપ્રેમ અરસપરસ વહેતો હોય છે, પણ તાજેતરના અનુભવોમાં અમે જાણ્યું કે દાનો દુશ્મન, દંભી મિત્ર કરતાં સારો.
સંજોગોના દબાણને લીધે અને સંશોધનની પ્રવૃત્તિ હાથ ધરેલી અને તેમાં સાથસહકાર તથા સામગ્રીના આદાનપ્રદાન માટે ટહેલ નાખતા રહેલા. ખબર મળી કે ભાઈ ‘અ’ પાસે મારે જોઈતી હસ્તપ્રત પડેલી છે, એટલે અમે એમનું શરણું લીધું. એમને એ ખપની નહોતી, પરંતુ એમના મનમાં મિત્ર પ્રત્યેનો તેજોદ્વેષ એટલો ઉત્કટ કે કદાચ અમારી પ્રતિષ્ઠા વધે એટલે એમણે સહાનુભૂતિના શબ્દો સિવાય અમને કશું આપ્યું નહીં.
પહેલાં તો અમારી વાત નકારી કાઢી, પણ અમે જયારે એમના સાળાએ લખેલા પત્રની ચોકસાઈનો પુરાવો આપ્યો, ત્યારે એમણે જૂનું સંભારણું ઉખેળતા હોય તેમ ઢોંગ કર્યો કે, ‘હા, કંઈક યાદ આવે છે, પણ અત્યારે આ અખાડામાંથી કશું હાથવગું બને તેમ નથી. છતાં હું જોઈશ, તમને જણાવીશ.’ આજ દિવસ સુધી નથી એમણે જણાવ્યું, નથી એ દેખાયા. એટલે અમને સમજાયું કે મિત્રોને ઓળખવા માટે બીજો અવતાર લેવો પડે. બાકી આ અવતારમાં તો રડમશ અવાજે ગાવું જ પડે ઃ ‘નહીં રે ઓળખ્યા ઃ મિત્રોને.’
એ સજ્જન, મિત્રના મિત્ર હોવાથી એમની કુશળતાને લીધે અમારા લાડકા મિત્ર બનીને અમને અનેક પ્રકારનો લાભ આપી ચૂકયા છે. એની અનેક દુઃખદ સ્મૃતિઓમાંની એક અત્યારે કહ્યા સિવાય રહેવાશે નહી. જયારે જયારે ઘેર આવે ત્યારે ચા-નાસ્તાનો કે ભોજનનો સમય જ અચૂક પસંદ કરીને આવે. મુલાકાતના બહાના માટે એમનું ફળદ્રુપ ભેજું મોટા ખજાના જેવું.
છાપું બદલવા, ચાર દિવસ પહેલાં આવેલા મહેમાનની માહિતી આપવા, સાડીઓના સેલની અથવા સ્ટીલના વાસણોની ગગડેલા ભાવની ઉત્તમ માહિતી આપીને શ્રીમતીને ખુશ કરવા, કોઈકના અચાનક અવસાનના કે હોસ્પિટલમાં દાખલ થયેલા પરિચિત રોગીના સમાચાર આપવા, અને કંઈ નહીં તો અમારા અઢી વર્ષના બાળકના ગાલ ઉપર ટપલી મારી પ્રેમ વરસાવવા, એમ અનેકવિધ કારણોસર નિયમિત એમની ઉપસ્થિતિ અમારા ઘરમાં રહેતી જ.
સમય જતાં અમને સમજાયું કે વાતવાતમાં ‘અરે યાર ! તમે મિત્ર’- એવા ઉદગારો કાઢનાર આ મહાનુભાવ અમારી અને એમની મૈત્રીને દુનિયાના બજારમાં અનેક પ્રકારે વટાવી ચૂકેલા. પડોશી પાસેથી ચીજવસ્તુ ઉછીની લેવી, કોઈ ઓફિસમાં ઓળખાણ- પિછાણ દ્વારા કામ કરાવવું એ બધામાં અમારા નામનો છૂટે હાથે તે ઉપયોગ કરતા, પણ એનો અણસાર પણ અમને આવવા દેતા નહી. ‘રામ નામે પથરા તરે’ તેમ અમારે નામે એમણે રેતીમાં કેટલાંય વહાણ હંકારેલા.
દિલોજાન દોસ્તી શું કરી શકે તેનું પૂરું ભાન એને હતું. એટલે એમના દીકરાને નોકરી અપાવવા, અમારે ત્યાં જેમની મુલાકાત થઈ હોય તે સૌનો હરકોઈ પ્રકારે લાભ લેવા અને એમના પરિચિતોનાં નાના-મોટા કામ કરાવવા માટે એમણે ચિઠ્ઠીઓ અને રૂબરૂ મુલાકાતીઓનો સતત પુરવઠો અમારે દરવાજે પૂરો પાડવાનું શરૂ કર્યું, ત્યારે જ આ સÂન્મત્રને અસલી સ્વરૂપે અમે જાણી લીધા. અમને ત્યાર પછી તો છૂટવાનો કોઈ આરો જ નહીં હોવાથી અમારાથી બોલાઈ ગયું ઃ ‘નહી રે ઓળખ્યા ઃ મિત્રોને.’
લંગોટિયા મિત્રો, ધંધાદારી મિત્રો, મુસાફરીના મિત્રો, સરખી મુશ્કેલીઓમાં ભોગ બનેલા મિત્રો, દુકાળમાં, યુદ્ધમાં, બેકારીમાં, ઘણા મિત્રો ભેટી જાય એમાં પણ ક્યારેક રમૂજી અનુભવો અમને થયેલા છે. બિસ્ત્રાપેટી સાથે ગાડીમાં ઘૂસવા અમે મથતા હતા ત્યારે, ‘જગા નથી, જગા નથી’એમ બૂમો મારીને પગ પણ ના મૂકવા દેનાર, જયારે અમે બારીમાંથી બિલાડીની અદાથી સરકીને કૂદકો માર્યો.
ત્યારપછી થોડી ક્ષણમાં જ અમારા બિસ્ત્રા-પેટી ગોઠવવામાં સૌજન્યથી બેસવાની સગવડ આપવામાં અને ત્યાર પછી તો આખી મુસાફરી દરમિયાન અને અંતે વિરહની વેદનાનાં આંસુ સારવા પડે એવી મૈત્રી એમણે જમાવી દીધી. પત્તા એમના અને સિગારેટ મા, પાણી એમના કુંજાનું અને નાસ્તો મારા ટિફનનો, ગાડીનું દબાયેલું પાટિયું એમનું, પણ બિસ્ત્રો મારો- આમ અનેક બાબતોમાં અમારી મૈત્રીની ગાંઠ બંધાઈ ગઈ.
ના, એમણે બાંધી દીધી. આજે પણ એટલી જ સજજડ છે. વેપાર-ધંધા માટે મારા શહેરમાં એમને અવારનવાર આવવાનું થાય એટલે પ્રેમભાવથી ખાસ મારા જ મહેમાન બને. અરે ! એમના ઓળખીતા- પાળખીતાને પણ મારા રહેઠાણને વિશ્રામભુવન ગણીને સરનામું આપતા જ રહે. પણ સંજોગોવશાત્ અમારે એક વખત એમના શહેરમાં અચાનક જવાનું થતાં અને બીજી ઓળખાણનહીં હોવાથી, એમના લાંબા પરિચયથી એમનું સ્મરણ થયું. ઉત્સાહથી અમે એમને ત્યાં પહોંચ્યા.
બારણું ખખડાવ્યું, એટલે એમનાં શ્રીમતીજી આવ્યા. અમે નામ દીધું. પરિચયની વાત કરી. છતાંય બારણું પુરું ન ખૂલ્યું. પાંચ મિનિટ પછી શ્રીમતીના સંદેશાથી સીતેજ બનીને અમારા પરમ મિત્ર આવ્યા અને સામું જોયા સિવાય, ‘કોણ છે?’ એવો પ્રશ્ન પૂછયો. જવાબ હતો ઃ ‘એ તો અમે.’ ફરી પ્રશ્ન થયો ઃ ‘અમે એટલે કોણ ? આંખ સાથે આંખ મળી, પછી અમે અંદર પ્રવેશ કર્યો.
એમના મોઢા પરનું લોહી ધીમે ધીમે ઉડી જતું હોય એમ લાગ્યું. એક ક્ષણ અમારી સામે, બીજી ક્ષણ પત્ની સામે જોતા હતા, ત્યો અમે યાદ તાજી કરાવાવ પ્રયત્ન કર્યો. મહાપ્રયત્ને દુરનો ભુતકાળ જોતા હોય તેમ બોલી ઉઠયા. ‘ઓ હો ! તમે ? બોલતા શું નથી, માફ કરજો. હમણાં હમણાંથી મને આવું થઈ જાય છે. ઘણા ડોકટરોને બતાવ્યું પણ રોગ પકડાતો નથી’ એટલું બોલતાં એમણે શરીરની અને જીભની ઝડપ વધારી. ચા લાવો, નાસ્તો લાવો, જમવાનું તૈયાર કરો.
એવા અનેક અવાજો સાંભળીને અમે ખુશ થવા જતા હતા, ત્યાં જ અંદરથી બહાર આવતા એમના શ્રીમતી ધબાક્ દઈને ઢળી પડ્યાં. બુમરાણ મચી ગઈ. અમે પણ સરભરામાં જોડાયા. જયારે ભેગા થયેલા ટીખળખોર પડોશીઓમાંથી એકે અમે સાંભળીએ એ રીતે ધીમેથી કહ્યું ઃ ‘જયારે જયારે મહેમાન આવે છે, ત્યારે ત્યારે આ બે જણાં આવું નાટક કરતાં જ હોય છે.’ં
અમે કોઈને પૂછયા સિવાય, વિદાયની પણ રાહ જોયા સિવાય લાંબી મૈત્રીનો અનેરો સ્વાદ માણતાં માણતાં બીજું સ્થાન શોધવા ઝડપથી બહાર નીકળી ગયા. એટલે અમારા શ્રીમતીએ અમારો ઉઘડો લી ધો ઃ ‘કે’તા હતા ને, અમારા ખાસ મિત્ર છે ! ખૂબ ભાવિક છે ! રસ્તે મળી જાય તોપણ જમાડ્યા સિવાય છોડે જ નહીં’ અમે શું બોલીએ? મનમાં જ સમજ્યા ઃ ‘નહીં રે ઓળખ્યા ઃ મિત્રોને.’
મિત્રો મારે પણ ખરા અને જીવાડે પણ ખરા. પણ મોટી મુશ્કેલી સાચા મિત્રોને ઓળખવાની છે. નિઃસ્વાર્થ મૈત્રી એ તો આ પૃથ્વીનું અમૃત છે. પણ મોટે ભાગ ેતો મૈત્રી સંબંધોમાં સ્વાર્થરૂપી ઝેરનું ટીપું ભળેલું જ હોય છે. ઉપરથી રૂપાળા, વ્યવહાર રાખનાર શબ્દોમાં ગોળનું ગળપણ વહાવનાર, મુશ્કેલીમાં ખડેપગે હાજર થનાર અને વચનોમાં કોઈ પણ રીતે પીછેહઠ ન કરનાર મિત્રો અણીના પ્રસંગે એમનું મુળરૂપ પ્રગટ કરતા હોય છે.
અમારા એક મિત્ર અમારે જ મોઢે એટલા બધાં વખાણ કરે કે સાંભળનારને ઈર્ષ્યા આવે. પણ અમારી ગેરહાજરીમાં રૂંવાડે રૂંવાડે આગ લાગે એવી ભાષા વાપરે. એમનો સ્વભાવ જ હતો કે ઈર્ષ્યાથી સળગતા રહે. કારણ કશું જ ન હોય, પણ કોઈનું બુરું ન કરે તો એમને ઉંઘ ન આવે. એ અમારા સ્મરણમાં અમર બની ગયેલા મિત્ર પરમાનંદ, અમારા વિશે, ખાસ ઘરોબો હોવાથી અમારાં પત્નીને અમારી દાનત વિશે ભંભેરી ગયેલા.
પરિણામે અમે અનેક પુરુષાર્થ કર્યા છતાં અમારી વચ્ચેની તિરાડ આજે એવી ને એવી જ છે. અમે એમનું નામ લેવાનું મૂકી દીધું છે, પણ તેઓ ચોરેચૌટે અમારું નામ લેવાનું ચૂકતા નથી. અમારા છોકરાઓને અમારી કંજૂસાઈની સાબિતી આપે છે. અમારા ઉપરીને અમારી બદદાનત વિશે ભંભેરણી કરે છે. જ્ઞાતિમાં અને જ્ઞાતિ બહાર, થાય તેટલી બદબોઈ કરે છે, છતાં ‘અમારા મિત્ર છે’ એવો ઢોલ પીટે છે.
‘ખાય તેનું ખોદે’ એવા મિત્રો વિશ્વાસુ માણસોનું જીવન વેરાન બનાવી દે છે. આપણા બની આપણને પછાડે. પરમાનંદભાઈના સંબંધો યાદ કરતા અમને મહાન નાટયકાર શેકસ્પિયરના અમર પાત્ર ઈયાગોની યાદ તાજી થાય છે. પરમ વિશ્વાસુ મિત્ર બનીને માત્ર ઈર્ષ્યાથી પ્રેરાઈ ઓથેલો પાસે પત્નીનું ખૂન કરાવ્યું અને જયારે તેને સમજાયું ત્યારે, ઘણું મોડું થઈ ચુકયું હતું. પહેલેથી જ ખબર હોત તો આ પરિણામ ન આવત. પ્રભુ ! મને મિત્રોથી બચાવ, નહીં તો લમણે હાથ દઈને ફરીથી ગાવાનો આવશે કે, ‘નહીં રે ઓળખ્યા ઃ મિત્રોને !