અમારા પર 4000 રોકેટ છોડવામાં આવ્યા; ઇઝરાયેલી વડાપ્રધાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Prime-Minister.jpg)
તેલઅવીવ: ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ૧૧ દિવસ ચાલેલી જંગ શુક્રવારે થંભી ગઈ. હમાસ (ઇઝરાયેલ અને પશ્ચિમના દેશો તેને એક આતંકી સંગઠન ગણાવે છે)એ પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટી વિસ્તારમાંથી ઇઝરાયેલ પર રોકેટ વડે હુમલાઓ કરવાનું બંધ કરી દીધું છે. ઇઝરાયેલી એરફોર્સે પણ ગાઝા પર બોમ્બવર્ષા બંધ કરી દીધા છે. જાે કે કેટલાંક રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે અલ અક્સા મસ્જિદ કમ્પાઉન્ડમાં ઇઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચે અથડામણ થઈ.
જાે કે હાલ બંને પક્ષમાં જંગ થંભી ગયા બાદ હવે નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. એટલે કે રોકેટ અને બોમ્બના અવાજાે બંધ થયા બાદ પણ તણાવ તો યથાવત જ છે. જાે કે સીઝફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમેરિકા અને ઈજિપ્તે બંને પક્ષોને સંભાળીને નિવેદનબાજી કરવાની સલાહ આપી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે સાંજે મીડિયા સાથે વાતચીત કરી. કહ્યું- જંગની શરૂઆત આપણે નહોતી કરી. કોઈ પણ જાતની ઉશ્કેરી વગર હમાસે ૪ હજાર રોકેડ ઇઝરાયેલ પર છોડ્યા. આ સ્થિતિમાં કોઈ પણ દેશ મૌન ન રહી શકે અને આપણે પણ તેનાથી અલગ નથી. આયરન ડોમના કારણે આપણે આપણી રક્ષા કરી. જાે આ ન હોત તો આપણે જમીની કાર્યવાહી કરવી પડત અને તેનાથી બીજી તરફ ઘણું જ વધારે નુકસાન થાત.
એક સવાલના જવાબમાં નેતન્યાહૂએ કહ્યું- અમેરિકી પ્રેસિડેન્ટ જાે બાઈડેન અને બીજા વર્લ્ડ લીડર્સે ઇઝરાયેલનો સાથ આપ્યો. તેના માટે અમે તેઓના આભારી છીએ. આ નેતાઓએ દુનિયાને મેસેજ આપ્યો છે કે લોકતંત્રથી જ કઈ રીતે આગળ વધી શકાય છે અને આતંકી કઈ રીતે મોત પર જશ્ન મનાવે છે. ભવિષ્ય માટે આ અમારા માટે એક પાઠ સમાન છે.ઇઝરાયેલી પીએમએ અધિકારીઓને કહ્યું કે તેઓ હમાસના રોકેટના શિકાર બનેલા એશ્કેલોન શહેર માટે નવી યોજના બનાવે. અહીંના લોકોને ટેક્સ બેનિફિટ્સ પણ આપવામાં આવશે.
નેતન્યાહૂની પ્રતિક્રિયા બાદ હમાસના પોલિટિકલ ચીફ ઈસ્માઈલ હાનિયાના તેવર કડક જાેવા મળ્યા. એક નિવેદનમાં તેઓએ કહ્યું- અમે દર્દ સહીને પણ ઇઝરાયેલને આ જંગમાં હરાવી દીધા. જેની ઇઝરાયેલના ભવિષ્ય પર અસર પડશે. પરેશાન કરનારી વાત તો એ છે કેે સીઝફાયર માટે તેઓએ ઈજિપ્તનો આભાર તો માન્યો, પરંતુ અમેરિકાનો ઉલ્લેખ પણ ન કર્યો. તેનાથી પણ ખાસ એ રહ્યું કે હાનિયાએ હમાસને હથિયાર આપવા માટે ઈરાનની પ્રશંસા કરી.
હાનિયાનું આ નિવેદન આવનારા દિવસોમાં પેલેસ્ટાઈન અને હમાસ બંને માટે મુસીબત ઊભી કરી શકે છે. કેમકે ઈરાન હંમેશાથી પોતાના એટમી કાર્યક્રમને લઈને અમેરિકા અને ઇઝરાયેલના નિશાના પર રહ્યાં છે.