અમારા સબંધ આમિર-કિરણ જેવા : સંજય રાઉત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/sanjay-raut-5-1024x569.jpg)
મુંબઈ: ભાજપ અને શિવસેના વચ્ચે જૂના સંબંધો ફરી બહાલ થતા જાેવા મળી રહ્યા છે. નેતાઓના સતત આવી રહેલા નિવેદનો તે તરફ ઈશારો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ પોતાના દોસ્તીના દિવસો યાદ કર્યા છે. સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘અમે ભારત-પાકિસ્તાન નથી, આમિર ખાન અને કિરણ રાવને જ જાેઈ લો, અમારો સંબંધ એવો જ છે. તેમણે કહ્યું કે અમારા શિવસેના અને ભાજપના રાજકીય રસ્તાઓ ભલે આજે અલગ છે પરંતુ અમારી મિત્રતા પહેલા જેવી મજબૂત છે.
શિવસેના નેતા રાઉતે આમિર ખાન અને કિરણ રાવનું ઉદાહરણ એટલા માટે આપ્યું કારણ કે બંનેએ લગ્નના ૧૫ વર્ષ બાદ હવે અલગ થવાનો ર્નિણય લીધો છે. પત્નીને તલાક પર આમિર ખાને કહ્યું કે અમારો સંબંધ હવે ભલે બદલાઈ ગયો હોય, પરંતુ અમે આજે પણ એકબીજાની સાથે છીએ, આથી અમે હંમેશા એક પરિવારની જેમ રહીશું. અત્રે જણાવવાનું કે સંજય રાઉત અગાઉ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી. જાે કે તેમના વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ જરૂર છે. ભેગા થવાના સવાલ પર ફડણવીસે કહ્યું હતું કે હાલાત જાેઈને યોગ્ય ર્નિણય કરવામાં આવશે.
આ અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપના નેતા આશીષ શેલાર સાથે પોતાની મુલાકાતો અંગે ઉડી રહેલી અફવાઓને ફગાવવાની કોશિશ કરી હતી. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદો હોઈ શકે છે. પરંતુ જાે અમે જાહેર કાર્યક્રમોમાં આમને સામને આવીએ તો અભિવાદન જરૂર કરીશું. હું શેલાર સાથે બધાની સામે પણ કોફી પીવું છું.