અમિતાભે શરું કર્યું કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ
મુંબઈ: કોરોના સંક્રમણને હરાવીને અમિતાભ બચ્ચને ફરી એકવાર પોતાના કામ પર પરત ફરીને પ્રસંશકો તેમજ દરેક વ્યક્તિ માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કૌન બનેગા કરોડપતિ-૧૨ના સેટ પરથી આ પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી આ અંગે જાણકારી આપી હતી. અમિતાભ બચ્ચનને કદાચ અમસ્તા જ સદીના મહાનાયકનું બિરુદ નથી મળ્યું.
તેમની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને જીવન જીવવાનો જુસ્સો દરેક વ્યક્તિને પ્રેરણા આપે છે. આ મુશ્કેલ સમયમાં કોરોના સંક્રમિત થયા બાદ ફરી એકવાર બીમારી સામેની જંગ જીતીને બીગ બી કર્તવ્યના મેદાનમાં જોવા મળ્યા છે. તેમણે શેર કરેલી તસવીરમાં અમિતાભ બચ્ચન કેમેરા ક્રુની પાછળ પીપીઈ કિટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ અમિતાભે કેબીસીના ૨૦ વર્ષને એક શાનદાર પ્રવાસ ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ સૌથી પહેલા વર્ષ ૨૦૦૦માં શરું થયું હતું.
અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘કામ પર પરત ફરી રહ્યો છું. બ્લુ કલલની પીપીઈ કિટના દરિયા વચ્ચે હું કેબીસી ૧૨ ૨૦૦૦થી શરું થયું હતું આજે વર્ષ ૨૦૨૦માં ૨૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. જુલાઈમાં અમિતાભ બચ્ચન, દીકરા અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાને કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ કોરોના નેગેટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.