અમિતાભ બચ્ચને અભિષેક પર ગર્વ લેતાં વખાણ કર્યા
મુંબઈ: અભિષેક બચ્ચન આજકાલ ફિલ્મ ધ બિગ બુલના કારણે ચર્ચામાં છે. અભિષેકની આ ફિલ્મ થોડા દિવસ પહેલા જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ત્યારે અમિતાભ બચ્ચને આ ફિલ્મે બનાવેલા રેકોર્ડની તસવીર શેર કરીને અભિષેક પર ગર્વ લીધો છે. અભિષેક બચ્ચને ફિલ્મ ધ બિગ બુલને પ્રેમ આપવા માટે દર્શકોનો આભાર માન્યો છે. સાથે જ તેણે વિડીયો શેર કરતાં જણાવ્યું છે કે, ઓટીટી પ્લેટફોર્મ (જ્યાં ફિલ્મ રિલીઝ થઈ છે તે) પર આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનર બની છે.
અભિષેકે આ તસવીર શેર કરતાં લખ્યું, મેં કહ્યું હતું મોટું વિચારો. તમે તો ધ બિગ બુલને સૌથી મોટો ધડાકો બનાવી દીધી. તમારા સૌના પ્રેમ માટે આભાર. અમિતાભ બચ્ચને અભિષેકની આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું, વેલ ડન બડી એક પિતાનો ગર્વ. જ્યારે દીકરો તમારા બૂટ પહેરવા લાગે ત્યારે તે દીકરો નથી રહેતો, મિત્ર બની જાય છે.
માટે વેલડન બડી! અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર સોશિયલ મીડિયાનો એક વર્ગ કોમેન્ટ કરીને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. એક યૂઝરે લખ્યું, ખોટા વખાણ કેમ કરો છો? બીજા એક યૂઝરે લખ્યું, આ ફેક છે, કોઈએ ફિલ્મ જાેઈ નથી. અન્ય યૂઝરે લખ્યું, જૂઠ્ઠું ના બોલો. એક યૂઝરે લખ્યું, સર બાપ હંમેશા પોતાના દીકરા વિશે સારું બોલે છે. તમારા દીકરાનો પ્રચાર ના કરો અને દર્શકોને નક્કી કરવા દો. સમય પાકી ગયો છે કે તમારે આવું કરવાનું બંધ કરવું જાેઈએ.