અમિતાભ બચ્ચને ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા મૅચમાં એકતરફી કોમેન્ટ્રીની ટીકા કરી
બિગ બીએ ટીમ ઇન્ડિયા ઉપરાંત જયપુર કબડ્ડી ટીમને શુભેચ્છા પાઠવી
ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે રમાઈ રહેલી પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં પહેલી ટેસ્ટમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી
મુંબઈ,
ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે રમાઈ રહેલી પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં પહેલી ટેસ્ટમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. જેની સોમવારે સમગ્ર દેશમાં ઉજવણી થઈ હતી. ભારતના ૫૩૪ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમાં બોલિવૂડના કલાકારો પણ બાકાત નહોતા. અમિતાભ બચ્ચન ક્રિકેટના કેટલા મોટા પ્રસંશક છે અને તેઓ ભારતીય ટીમને હંમેશા કઈ રીતે વખાણે છે અને પ્રોત્સાહન આપે છે, તે દરેક જાણે છે.
તેમણે આ મૅચ બાદ ટીમને શુભેચ્છા તો પાઠવી હતી. સાથે તેમણે આ મૅચ દરમિયાન એક તરફી કોમેન્ટ્રીની ટીકા પણ કરી હતી. અમિતાભ બચ્ચને કોઈનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું, “બાયસ કોમેન્ટ્રી છતાં, પછાડી દિધું ઓસ્ટ્રેલિયાને ક્રિકેટમાં.” પોતાની બ્લોગ પોસ્ટમાં અમિતાભ બચ્ચને દિકરા અભિષેક બચ્ચનની કબ્બડી ટીમ જયપુર પિંક પેન્થર્સને પણ અભિનંદન આપ્યા હતા. પ્રો કબડ્ડી લીગની ૧૧મી સીઝન ચાલી રહી છે, જેમાં જયપુર પિંક પેન્થર્સ પુણેરી પલ્ટન સામેની મૅચ જીતી ગઈ હતી. આ અંગે તેમણે લખ્યું હતું, “જયપુર પિંક પેન્થર્સે પુણેરી પલ્ટનને હરાવી દિધી, જે એક પુણેની બહુ જ સક્ષમ અને જોરદાર ટીમ છે.” જો અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો ફરી એક વખત અમિતાભ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન ૮૪’માં જોવા મળશે. આ ફિલ્મ રિભુ દાસગુપ્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.ss1