અમિતાભ બાદ હવે અભિનેત્રી રેખાનો બંગલો સીલ, સિક્યુરિટી ગાર્ડને થયો હતો કોરોના
મુંબઇ, બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોનાના સપાટામાં આવ્યા બાદ તેમનો જુહુ સ્થિત જલસા બંગલો સેનિટાઈઝ કરવામાં આવ્યો છે અને તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. બીજી તરફ અભિનેત્રી રેખાના બંગલા પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને પણ કોરોના થતા હવે રેખાના બંગલાને પણ સીલ કરવામાં આવ્યો છે.રેખાને પણ હવે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. રેખાનો બંગલો મુંબઈના બાંદ્રા વિસ્તારના બેન્ડ સ્ટેન્ડ પાસે આવેલો છે.મળતા અહેવાલ પ્રમાણે બંગલાની બહાર બે સિક્યુરિટી જવાનને સુરક્ષા માટે હંમેશા તૈનાત રખાતા હોય છે.આ પૈકીના એકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોર્પોરેશને રેખાના બંગલા અને આસપાસના વિસ્તારને પણ સેનિટાઈઝ કર્યો છે.જોકે આ મુદ્દે રેખા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.