અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવતા મોત

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. શાહના રોડ શોમાં સમર્થકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. પરંતુ વિશાળ જનમેદની વચ્ચે એક માઠા સમાચાર મળ્યા છે. અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં એક હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે.
અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાન તૈનાત હતો. વીવીઆઈપી બંદોબસ્તમાં સાંણદ ગઢીયા ચાર રસ્તે પોઈંટ ઉપર હાજર હતા, તે દરમિયાન આ અગમ્ય ઘટના બની હતી. હોમગાર્ડ વિશે મળતી માહિતી પ્રમાણે સાણંદ યુનિટ હોમગાર્ડમાં ૬ વર્ષથી ફરજ બજાવતા હતા. પરંતુ અમિત શાહનો અમદાવાદમાં રોડ શો હોવાના કારણે બંદોબસ્ત પોઈન્ટ બદલાયો હતો અને હોમગાર્ડ જવાનને હદય હુમલા આવતા તેનું મોત થયું હતું.
હોમગાર્ડ જવાન સાણંદના વસોદરા ગામનો વતની હતો. સાણંદ હોમગાર્ડ યુનિટ સંનત નંબર ૨૧૮૩, હોદ્દો એએચજી છે. હોમગાર્ડ જવાનનું નામ પ્રવિણભાઈ હરગોવિંદભાઈ કો.પટેલનું મોત થયું છે. હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મૃત્યુ પામવાના બનાવોમાં નાંધપાત્ર વધારો થયો છે. જેના પગલે આરોગ્ય વિભાગ પણ વધુ સતર્ક બન્યું છે.