અમિત શાહની મુલાકાતથી રવિશંકર સેલ્ફ આઈસોલેટ થયા
કેન્દ્રીય મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ કેન્દ્રીય મંત્રીઓ પોતાને આઈસોલેટ કરવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રીય સંચાર અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેની શરૂઆત કરી છે. રવિશંકર પ્રસાદે સેલ્ફ ક્વોરન્ટાઈન કરી લીધુ છે. શનિવારે સાંજે તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ ગઈ કાલે પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ પર તેઓ મેદાન્તા હોસ્પિટલમાં દાખલ છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે પોતે ગઈ કાલે બપોરે ટિ્વટ કરીને આ જાણકારી આપી હતી. ત્યારબાદ પાર્ટી નેતાઓ સહિત સોશિયલ મીડિયા યૂઝર્સે તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કરીને કહ્યું કે કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી ભલામણ છે કે જે કોઈ મારા સંપર્કમાં આવ્યાં હોય તેઓ કૃપા કરીને પોતે જાતે આઈસોલેટ થઈ જાય અને તપાસ કરાવે.
અમિત શાહે આ ટિ્વટ દ્વારા પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. ત્યારબાદ ગૃહમંત્રીના સ્ટાફ સહિત અન્ય લોકો પણ કોરોના ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે.