અમિત શાહ ક્યાંથી આવા બોગસ આંકડા લઇ આવે છે : બંગાળના નાણાંમંત્રી
કોલકતા: નરેન્દ્ર મોદીની સરકાર પશ્ચિમ બંગાળને રૂપિયા ૩.૫૯ લાખ કરોડ આપ્યા હતા એવા ગૃહ મંત્રી અમીત શાહના દાવાને બંગાળની નાણા મંત્રી અમીત મિત્રાએ ફગાવ્યો હતો. મિત્રાએ કહ્યું હતું કે કેન્દ્રની યોજનાઓ અને કેન્દ્ર દ્વારા પ્રાયોજીત યોજનાઓ માટે બંગાળને રૂપિયા ૧૧૩.૬૧ કરોડ જ આપ્યા હતા. જે શાહના દાવા કરતાં એક તૃતિયાંશ કરતાં પણ ઓછા હતા. ગયા સપ્તાહે દક્ષિણ ૨૪ પરગણા ખાતેની એક જાહેર સભામાં શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક અને તેના ગુન્ડાઓ પર મોદી સરકારે આપેલી આખી રકમ ચાંઉ કરી જવાનો આક્ષેપ કર્યો હતો.
મિત્રાએ શાહને ગમે તે મંચ પર તેમની સાથે ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. ‘મને ખબર નથી પડતી કે તેઓ ક્યાંથી આવા બોગસ આંકડા લઇ આવે છે. તેઓ બદ ઇરાદા સાથે ગંદુ રાજકારણ રમે છે’ એમ મિત્રાએ કહીને ઉમેર્યું હતું કે ‘આ પૈસા કંઇ મોદીના ખાતામાંથી નથી આવતા. હકીકત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી કર ઉઘરાવે છે અને રાજ્યોને આ રકમમાંથી જ પૈસા અપાય છે. અધુરામાં પુરૂં શાહે આપેલા આંકડા તદ્દન ખોટા હતા’.
બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે જાે મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીમાં તાકાત હોય તો તેઓ નંદી ગ્રામમાંથી ચૂંટણી લડીને બતાવે.ટીએમસીએ વળતો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે અમને તો એ જ નથી સમજાતું કે શા માટે ભાજપ નંદીગ્રામના તેમના ઉમેદવારના નામની જાહેરાત કરતું નથી.
ભાજપે મમતાને ડરે આજ સુધી નંદીગ્રામનો તેમનો ઉમેદવાર કોણ હશે તેની જાહેરાત કરી નથી અને એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીના નામની જાહેરાત ચૂંટણી પછી કરશે. ઉલ્લેખનીય છેકે, મમતા બેનર્જીએ તો જાન્યુઆરીમાં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ નંદીગ્રામમાંથી અધિકારીની સામે ચૂંટણી લડશે.