Western Times News

Gujarati News

અમિત શાહ લાલચોક પર તિરંગો લહેરાવવા ઇચ્છુક

શ્રીનગર : કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ વખતે જમ્મુ કાશ્મીરમાં ૭૩માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૪મી ઓગસ્ટના દિવસે એટલે કે આવતીકાલે સાંજે અમિત શાહ શ્રીનગર જવા રવાના થશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ આ વખતે ૧૫મી ઓગસ્ટના પ્રસંગે શ્રીનગરના લાલચોકમાં તિરંગો અમિત શાહ લહેરાવશે. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશકુમાર દ્વારા પણ આનું સમર્થન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી લડાખને અલગ કરીને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યા હતા. જા કે, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલચોક ઉપર તિરંગો ધ્વજ લહેરાવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને બીજુ ઐતિહાસિક પગલું રહેશે. શ્રીનગર બાદ અમિત શાહ ૧૬ અને ૧૭મી ઓગસ્ટના દિવસે લડાખમાં રહેશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમને લઇને આંતરિક ચર્ચામાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ પણ હાલના સમયમાં કાશ્મીર ખીણમાં રહેલા છે. આ પહેલા પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો તરફથી ધમકી મળ્યા બાદ ૨૬મી જાન્યુઆરી ૧૯૯૨ના દિવસે ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જાશી અને નરેન્દ્ર મોદી (એ વખતે સંઘ પ્રચારક) શ્રીનગરના લાલચોક ઉપર તિરંગાને લહેરાવવામાં સફળ રહ્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૯૪૮માં લાલચોક ઉપર પ્રથમ વખત તિરંગા ધ્વજ લહેરાવ્યા હતા. ત્યારથી જ આ જગ્યાનું મહત્વ વધી ગયું છે. બીજી બાજુ એનસીપી દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.